ભારત વિરોધી ગતિવિધિઓ અને પ્રચારનો આરોપ : ભારત સરકાર દ્વારા ૩ ટિ્વટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા
નવી દિલ્હી,તા.૫
સરકાર દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ અને પ્રચારને કારણે ૨૨ યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી છે. આમાંથી ૪ ચેનલ પાકિસ્તાનની છે. અગાઉ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. દેશની સુરક્ષા, વિદેશ સંબંધો અને સરકારના આદેશો વિશે ખોટી માહિતી ફેલાવતી યુટ્યુબ ચેનલો પર સરકારનો ડંડો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી ૨૨ યુટ્યૂબ ચેનલો બ્લોક કરવામાં આવી છે. આમાંથી ૪ ચેનલ પાકિસ્તાનની છે. આ સાથે ૩ ટિ્વટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ચેનલો તરફથી લોકોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી. બ્લોક તમામ ચેનલોને ૨૬૦ કરોડ વ્યુઝ છે. આવી વધુ ચેનલો બ્લોક કરી શકાય છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ ષડયંત્ર રચવા, જુઠ્ઠાણા ફેલાવવા અને સમાજમાં ભાગલા પાડવા માટે આવા કોઈપણ એકાઉન્ટને બ્લોક કરવા માટે ભારત સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ મંત્રાલય દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી હતી જે યુટ્યુબ ચેનલોને બ્લોક કરવામાં આવી છે તેમાં એઓપી ન્યૂઝ, એઆરપી ન્યૂઝ, એલડીસી ન્યૂઝ, સરકારી બાબુ, એસએસ ઝોન હિન્દી, ઓનલાઈન ખબર ડીપી ન્યૂઝ, પીકેબી ન્યૂઝ, બોરાના ન્યૂઝ, ડિજી ગુરુકુલ, દિન ભરકી સમાચાર વગેરેનો સમાવેશ થાય છે. ભારત વિરોધી પ્રચાર અને ફેક ન્યૂઝ ફેલાવવા બદલ ગયા મહિને ૨૦ યુટ્યુબ ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરવામાં આવ્યા બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ચેતવણી આપી હતી કે સરકાર દેશ વિરુદ્ધ કાવતરું ઘડનારાઓ સામે આવી કાર્યવાહી ચાલુ રાખશે.