૯ માસ પૂર્વેના બનાવનો ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીનો ચુકાદો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગોરિયાળી ગામે ગત તા.૨૩-૬-૨૦૨૧ના રોજ એક વ્યક્તિની થયેલી હત્યાનો કેસ આજે ભાવનગદરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે મહિલા સહિત એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના ગોરિયાળી ગામે રહેતા લખમણભાઈ મોહનભાઈ જાબુંચાની તા.૨૩-૬-૨૦૨૧ના રોજ તેજાભાઈ મોહનભાઈ, રતનબેન તેજાભાઈ, અશ્વિનભાઈ તેજાભાઈ, તુલસીભાઈ તેજાભાઈ તેમજ જેરામભાઈ તેજાભાઈએ ઝઘડામાં એક સંપ કરી હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયેલ બનાવ અંગે માયાબેન નરસિંહભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો સાથે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મનોજ જોષીની દલીલો અને ૪૨ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈ પાંચેય શખ્સોને કસુરવાર ઠેરવી તમામને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજીવન કેદની સજા સંભળાવી હતી. એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા ફટકારાતા ચકચાર મચી જવા પામી છે.