CNGમા એક સામટા રૂપિયા ૬.૪૫ વધ્યા, ૭૬.૯૮ પર કિલો : ડિઝલે પણ સદી વટાવી

53

પેટ્રોલમાં ૮૦ પૈસાના વધારા સાથે નવો ભાવ ૧૦૬.૭૬
પેટ્રોલ, ડીઝલ પર ભાવ વધારો બે-લગામ બન્યો છે બીજી બાજુ ખાનગી કંપનીઓએ પણ માઝા મૂકી બેફામ ભાવ વધારો કરી પ્રજાને લૂંટવાનું શરૂ કર્યું છે, દરરોજ દી’ ઉગેને વિવિધ ચીજ વસ્તુઓના ભાવ વધારો ઝીંકવામાં આવે છે. ગઈકાલે ગુજરાત ગેસ કંપનીએ એક સામટો પ્રતિ કિલોએ ૬.૪૫ નો ભાવ વધારો કરતા દેકારો બોલી ગયો છે, તો ડિઝલે પણ સદી વટાવવા સાથે ભાવનગરમાં સર્વોચ્ચ સપાટીએ ભાવ ૧૦૧ને ૧૦ પૈસા નોંધાયો છે. જયારે પેટ્રોલમાં પણ આગેકૂચ યથાવત રહી છે.
ચારેક દિવસ પૂર્વે અદાણીએ ગેસમાં રૂ.૫નો વધારો કરેલ જયારે ગુજરાત ગેસે ભાવ વધારો કર્યો ન હતો પરંતુ મોડો ભાવ વધારો ઝીંકી અદાણીની સરખામણીએ નફો સરભર કરવો હોય તેમ ગત મધરાતથી રૂ.૬ને ૪૫ પૈસાનો ભાવ વધારો ઝીંક્યો છે.ગુજરાત ગેસ કંપની દ્વારા મધ્યરાત્રીના ૧૨ વાગ્યાથી સીએનજી ગેસના ભાવમાં રૂપિયા ૧, ૨ કે પાંચ નહિ પૂરે પૂરો સાડા છ રૂપિયાનો ભાવ વધારો અમલી કરવા નક્કી કરી કાર, રીક્ષા અને અન્ય વાહન ધારકોને જોરદાર ફટકો માર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગત માર્ચ માસમાં ગેસના ભાવમાં જબરો વધારો કર્યા બાદ મધ્યરાત્રિથી સીએનજી ગેસના ભાવમાં રૂપિયા ૬.૪૫નો ભાવ વધારો કરવા નક્કી કર્યું છે. હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિકીલો રૂપિયા ૭૦.૫૩નો ભાવ વસુલ કરવામાં આવી રહ્યો છે. મધ્યરાત્રી બાદ ૬.૪૫ રૂપિયાના ભાવ વધારા સાથે હવે વાહન ચાલકોને એક કિલોગ્રામ ગેસના રૂપિયા ૭૬.૯૮ ચૂકવવાના આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઓટો રીક્ષા, કાર, પીકઅપ વાન અને હવે તો મોટા આઇસર જેવા ટ્રકોમાં પણ સીએનજી ગેસનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે પ્રતિ કીલોગ્રામ ગેસના ભાવમાં રૂપિયા ૬.૪૫ નો તોતિંગ ભાવ વધારો ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવતા ભાવનગર જિલ્લામાં વાહનચાલકો ઉપર દૈનિક હજારો રૂપિયાનો વધારાનો બોઝ પડશે. બીજી બાજુ પેટ્રોલમાં આજે ૮૦ પૈસા વધ્યા હતા અને ડિઝલમાં ૮૨ પૈસા વધ્યા હતા.આમ, દરરોજ સવાર પડેને ગરીબ અને મધ્યમ વર્ગ પર ભાવવધારોનો કોરડો વીંઝાય છે, આર્થિક કોરડો વીંઝવામાં સરકાર કે ખાનગી કંપની કોઈ પણ પાછી પાની કરતું નથી.

Previous articleસોની બજારમાં ‘કસબ’ અજમાવવા આવેલ બે મહિલા સહિત ૩ ઝડપાયા
Next articleશહેર ભાજપે ૨ હજાર સક્રિય કાર્યકર્તાઓને સન્માનીત કર્યા, ચૂંટણી પૂર્વેની તૈયારી