રશિયા-યુક્રેને વાતચીત થકી મતભેદોનો ઉકેલ લાવવાની જરુર, જો ભારતને તેમાં મધ્યસ્થી કરવાની થાય તો આનંદ થશે :વિદેશ મંત્રીનું લોકસભામાં નિવેદન
નવી દિલ્હી,તા.૬
યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહાર પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, નિર્દોષોનુ લોહી વહાવીને કોઈ સમસ્યાનુ સમાધાન નિકળી શકે નહીં. તેમણે કહ્યુ હતુ કે, રશિયા અને યુક્રેને વાતચીત થકી મતભેદોનો ઉકેલ લાવવાની જરુર છે અને જો ભારતને તેમાં મધ્યસ્થા કરવાની થાય તો અમને તેનો આનંદ થશે. તેમણે લોકસભામાં ચર્ચા દરમિયન કહ્યુ હતુ કે, બુચા શહેરમાં આમ નાગરિકોની હત્યાની તપાસ માટે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. સાથે સાથે જયશંકરે કહ્યુ હતુ કે, ભારત આ સ્થિતિમાં એ જ નિર્ણયો લઈ રહ્યુ છે જે તેના હિતમાં છે. દરેક દેશ પોતાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતો હોય છે. તેમણે કહ્યુ હતુ કે, ભારત જો કોઈનો પક્ષ લેશે તો તે શાંતિનો પક્ષ લેશે. રશિયાના વિદેશ મંત્રી તાજેતરમાં ભારત આવ્યા હતા અને તેમને પણ અમે કહ્યુ છે કે, જો ભારત શાંતિ માટે જો કોઈ મદદ કરી શકતુ હોય તો અમને તેમાં ખુશી થશે. જયશંકરે કહ્યુ હતુ કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધથી ભારત જ નહીં પણ આખી દુનિયાની ઈકોનોમી પ્રભાવિત થઈ રહી છે. દરેક દેશ એક બીજા પર નિર્ભર હોય છે અને એટલા માટે જ દરેક દેશ પોતાના લોકોનુ ભલુ જેમાં હોય તે પ્રકારની નીતિ અપનાવે છે.