તોકતે વખતે પડી ગયેલા આંબા અને બે -ૠતુથી કેરીના પાકને થયેલું નુકશાન મુખ્ય કારણ
ધોમધખતા ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ આગામી દિવસોમાં કેરીની ખરી સિઝન શરૂ થતાં જ આવો જ ભાવ વધારો વેઠવો પડે તેવા સંકેતો મળી રહ્યા છે. જુદા જુદા કારણોસર કેરીનો પાક મોડો છે અને તેમાંય સરેરાશ ૩૦% ઓછો છે. આથી લીંબુની જેમ કેરીના ભાવ પણ દાંત ખાટા કરી દેશે તેવું અનુમાન છે. ઉનાળાના અમૃત ફળ કેરીના સ્વાદમાં ઓણ સાલ દોઢથી બે ગણાં ભાવ વધારો થવાના સંકેત મળી રહ્યા છે.આ કારણે કેરીના મીઠાં સ્વાદમાં ભાવ વધારાની ખટાશ ચડી ગઈ છે. એપ્રિલ માસના મધ્ય બાદ ભાવનગરની બજારમાં કેરીની આવકમાં વધારો થવાથી ભાવ જોકે થોડા ઘટશે. પરંતુ અગાઉના વર્ષની જેમ કેરીના ભાવ તળિયે નહીં પહોંચે તેમ વેપારીઓ માની રહ્યા છે. ગત વર્ષે તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજીથી અનેક આંબા ઢળી પડ્યા હતા. બીજી બાજુ બે-ઋતુ થતા આંબે મોર બેઠો પણ પાકમાં પરિવર્તિત નથી થઈ શક્યો. આમ, પાક ઓછા હોવાના અનેક કારણો છે.ભાવનગરમાં કેસર કેરી ઉપરાંત તોતા, બદામ, સુંદરી, હાફૂસ અને જમાદાર કેરીનું આગમન થવા લાગ્યું છે. શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ ગુરૂનાનક હોલસેલ ફ્રૂટ માર્કેટમાં દર વર્ષે અંદાજે ૩૦૦૦ ટન જેટલી કેરી ઠલવાય છે. સામાન્ય રીતે સિઝનના પ્રારંભે કેસર કેરીનો ભાવ રૂા.૧૦૦થી ૧૫૦ હોય છે. પરંતુ આ વર્ષે કેસર કેરીનો ભાવ દાંત ખાંટા કરી દે તેવો છે. હજુ આવક ઓછી છે, તેની સામે કેરીનો ઉપાડ વધું હોવાથી એક કિલો કેસર કેરીનો ભાવ રૂા.૨૦૦થી ૨૫૦ બોલાઈ રહ્યો છે. જે અગાઉના વર્ષો કરતા દોઢથી બે ગણો વધુ છે ભાવનગરમાં મુખ્યત્વે કેસર કેરીનું ચલણ છે, પરંતુ આ વખતે એકલી કેસર પુરી પડી શકે તેમ નથી લાગતું. આથી વલસાડ બાજુથી આવતી કેરી પર મદાર રાખવો પડશે.!