નવીદિલ્હી,તા.૭
દેશમાં લોકપ્રિયતા માટે ઝડપથી કાનૂન બનાવીને સંતોષ માનતી સરકારો માટે લાલબતી સમાન એક નિરીક્ષણમાં સર્વોચ્ચ અદાલતે કોઇપણ લોકકલ્યાણકારી યોજનાઓ કે કાનૂનો બનાવતા પૂર્વે તેને અમલમાં મૂકવા માટેની વ્યવસ્થા અને નાણાકીય જોગવાઇની ચિંતા કરવા સરકારોને સલાહ આપી છે. ખાસ કરીને અનેક કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી સમયે ઢંઢેરામાં જાહેર થાય છે પરંતુ તેની રાજ્ય કે કેન્દ્રના બજેટ પર થનારી નાણાકીય અસર અંગે ભાગ્યે જ કોઇ ચિંતા થાય છે બાદમાં જ્યારે યોજના અમલમાં મુકવામાં આવે છે ત્યારે તેના માટે પૂરતી માળખાકીય વ્યવસ્થા હોતી નથી કે યોગ્ય નાણાકીય પીઠબળ પણ હોતુ નથી જેના કારણે આ પ્રકારની યોજનાઓના લાભ લોકોને મળી શકતા નથી. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ યુ.યુ. લલીતની ખંડપઠે ગઇકાલે શિક્ષાના અધિકારના કાનૂનમાં જે દૂરદર્શિતા દાખવવામાં આવી ન હતી તેની સામે પ્રશ્ન ઉઠાવતા સમયે આ પ્રકારના વિધાનો કર્યા હતા અને જણાવ્યું કે સરકારે દેશના કરોડો બાળકોને શિક્ષણનો અધિકાર તો આપી દીધો પણ શાળાઓ ક્યા છે ? તેની વ્યવસ્થા થઇ નથી. શાળાઓ હોય તો શિક્ષકો નથી અને અનેક રાજ્યોએ વિદ્યા સહાયક કે શિક્ષા મિત્ર જેવી યોજનાઓ અમલમાં મુકી છે જેમાં રુા. ૫૦૦૦ના પગારથી શિક્ષકો રાખવામાં આવે છે હવે તે ક્યા પ્રકારનું શિક્ષણ દેશે તે પ્રશ્ન છે. જ્યારે આ પ્રકારના મુદા ઉઠે છે ત્યારે બજેટનો મુદો આગળ ધરવામાં આવે છે પણ સરકારોએ એ દિશામાં કામ કરવું જોઇએ કે તેમની યોજનાઓ જુમલા બનીને રહી ન જાય. સુપ્રિમ કોર્ટની ખંડપીઠે દેશમાં મહિલા માટે જે ઘરેલુ હિંસા અધિનિયમ કાનૂન છે તેમાં પણ અધૂરા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું કે વાસ્તવમાં ખૂટતી કડીઓ પૂરી કરવી જોઇએ. જે મહિલાઓ સામે દુર્વ્યવહાર થાય છે તેને પૂરતી કાનૂની મદદ મળતી નથી અને જે મહિલાઓ ભોગ બનતી હોય છે તેના માટે પૂરતા આશ્રય ગૃહ પણ નથી આથી મહિલાઓને મૂંગા રહીને પીડા સહન કરવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. સુપ્રિમ કોર્ટે એવું વિધાન કર્યું હતું કે દેશમાં અધિકારીઓની કમી પણ એક પ્રશ્ન છે. એક સારો મહેસુલી અધિકારી સારો સુરક્ષા અધિકારી બની શકે નહીં જેમાં વિશેષ પ્રકારની નોકરીની જરુર છે અને અલગ પ્રકારના પ્રશિક્ષણની જરુર હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટે એવું વિધાન કર્યું કે સરકારોએ સૌથી પહેલા ડેટા મેળવવા જોઇએ અને તેના આધારે એક મોડેલ બનાવીને તેમાં સરકાર કઇ રીતે કરી શકે છે તે જોવાવું જોઇએ જેમાં બજેટ વગેરેની વ્યવસ્થા પણ નિશ્ર્ચિત થવી જોઇએ. સુપ્રિમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને નારી સુરક્ષા અધિકાર અંગે તેમનો રિપોર્ટ તા. ૨૬નાં રોજ આપવા કહ્યું છે. અને જણાવ્યું હતું કે આ પ્રકારના પદો પર ઓછા અધિકારીઓને કારણે કે આઈએએસ અથવા મહેસુલી અધિકારીને આ ફરજ સોંપવાથી તેઓ સારા સુરક્ષા અધિકારી બની શકતા નથી તે નિશ્ર્ચિત છે. આ અંગે સરકારની નિષ્ઠા સામે જ સુપ્રિમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે અને એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં મહિલાઓ માટે સુરક્ષા અધિકારીઓની ઘટ છે.