દેશભરની વાણી સાથે ગુજરાતી વાણી-રાણીના ગુણગાન કરીને ગુજરાત સાથે દેશની અસ્મિતાના સંવર્ધનનો પ્રયાસ
ભારતભરની વિસરાતી જતી કલા, સંસ્કૃતિ અને પરંપરાગત ગાન અને પરંપરાગત વાદ્યશૈલીને બરકરાર રાખવાં માટે ભાવનગરમાં વસુંધરાની વાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા વિસરાતી કલાને પુનર્જીવન મળવાં સાથે વર્તમાન કલા સાથે કેવી રીતે સામંજસ્ય સાધીને તેને ચિરંતન બનાવી શકાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુદરતના ખોળે વસેલાં સણોસરા ખાતેથી કુદરતના જ નાદ સાથે નાદબ્રમ્હની આરાધનાનો આ અવસર છે. જેના દ્વારા આપણી પૌરાણિક કલાને શાશ્વત બનાવવાનો આ નાનકડો પ્રયાસ છે. આવા નાના છતાં અસરદાર કલા- સંગીતથી મંજાયેલાં કાર્યક્રમો દ્વારા જ એક પેઢીની કલા બીજી પેઢી સુધી જતી હોય છે. આવાં પ્રયાસો દ્વારા કલા પોતાનું પોત ટકાવી વહેતી સરિતાની જેમ આગળ વધતી હોય છે. એક પ્રદેશની કલા બીજા પ્રદેશની કલા સાથે મળે છે અને એક નવા પ્રકારરૂપે બહાર આવીને તે વહેતી રહે છે.
આજે જ્યારે જીવનમાં અજંપા અને તણાવનું વાતાવરણ વધતું જાય છે ત્યારે આ સંગીત મનને શાતા આપે છે. નવી ઉર્જાનો સંચાર કરે છે. જે જીવનને જીવવાલાયક અને માણવાલાયક બનાવે છે. આજે યોજાયેલાં કાર્યક્રમમાં લોકગાયકો શબનમ વિરાણીએ ગુજરાતી, રાજસ્થાની અને બંગાળીમાં ગીતોની પ્રસ્તુતિ કરી હતી. આ ઉપરાંત તેમણે કબીરવાણી પણ રજૂ કરી હતી. ભલ્લુરામજીએ રાજસ્થાની લોકગીત તથા લક્ષ્મણદાસ બાઉલે બંગાળી ગાનની રજૂઆત કરી હતી.
દેશભરની વાણીની રજૂઆત સાથે તેઓ દ્વારા ગુજરાતી લોકવાણી તથા ગાન પ્રસ્તુત કરીને ગુજરાતી વાણી, રાણીને વધાવી હતી અને તે દ્વારા ગુજરાતની અસ્મિતાને બરકરાર રાખવાં તરફ એક કદમ આગળ વધાર્યું હતું. જાણીતા સાહિત્ય સર્જક ધ્રુવ ભટ્ટ, લોકભારતીના અરુણ દવે તથા હસમુખ દેવમુરારી, વિશાલ જોષી તથા સણોસરાના સંગીતપ્રેમી ગ્રામજનો આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ગોહિલવાડના શેત્રુંજી નદીના કાંઠાના પ્રદેશમાં થયેલાં આયોજન મુજબ આજે રાતે 9:30 કલાકથી માંડવડા ખાતે દેવજીભાઈ જાગરિયા, લક્ષ્મણદાસ બાઉલ તથા શબનમ વિરાણી દ્વારા પ્રસ્તુતિ થશે. શનિવાર તા.9 સવારે 9 થી બપોરે 12 કલાક દરમિયાન બેલા લોકનિકેતન સંસ્થા ખાતે ભલ્લુરામજી, દેવજીભાઈ જાગરિયા તથા લક્ષ્મણદાસ બાઉલ અને રાતે 9 કલાકથી માંડવાળી ખાતે દ્વારા પ્રસ્તુતિ થશે. શેત્રુંજી નદીની છાયામાં આ સમગ્ર સંકલન વ્યવસ્થા પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધાર અંતર્ગત ભાવનાબેન પાઠક સાથે પાતુભાઈ આહીર અને એભલભાઈ ભાલિયા દ્વારા સંભાળવામાં આવી રહી છે. રવિવાર તા.10 સવારે 9 થી બપોરે 12 કલાક દરમિયાન ટીમાણા ખાતે રાતે તેમજ રાતે 9 કલાકથી માઈધાર પંડિત સુખલાલજી લોકવિદ્યાલય ખાતે ભલ્લુરામજી, દેવજીભાઈ જાગરિયા, લક્ષ્મણદાસ બાઉલ તથા શબનમ વિરાણી દ્વારા પ્રસ્તુતિ થશે.