ભાવનગરમાં સરકારી તબીબોએ હડતાળના પાંચમા દિવસે રક્તદાન કેમ્પ અને અંગ દાનની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો

53

પોતાની પડતર માંગણીઓને લઈ જિલ્લાના 450 જેટલા તબીબો હડતાળ પર છે
રાજ્યભરમાં સરકારી તબીબો છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ભાવનગરમાં પણ ડોક્ટરોની હડતાળ યથાવત છે. આજે હડતાળના પાંચમા દિવસે તબીબો દ્વારા સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ અને અંગ દાનની પ્રતિજ્ઞાનું આયોજન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તબીબી શિક્ષકો અને સરકારી સંસ્થાનોમા ફરજ બજાવતા તમામ તબીબો વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓ સંબંધે હડતાળ પર ઉતર્યા છે. તબીબોએ ગાંધીચિંધ્યા માર્ગે પ્રદર્શનના ભાગરુપે આજરોજ રક્તદાન કેમ્પ અને અંગ દાનની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજ્યો હતો. તબીબોએ રામદરબાર, ગાયત્રી હવન, સૂત્રોચ્ચાર અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી ડોક્ટરોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ પૂર્ણ થશે નહીં તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સર્જરી વિભાગના વડા ડો. સમીર શાહે જણાવ્યું હતું કે, તબીબો છેલ્લા પાંચ દિવસથી જુદી-જુદી માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેમાં પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજા દિવસે રામદરબારનું આયોજન કર્યું હતું. જ્યારે ત્રીજા દિવસે ગાયત્રી હવનનું આયોજન કર્યું હતું અને ચોથા દિવસે સર.ટી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એકઠા થઇ સૂત્રોચ્ચાર તથા આજે પાંચમા દિવસે ગાંધીચિંધ્યા માર્ગે પ્રદર્શનના ભાગરૂપે રક્તદાન કેમ્પ અને અંગ દાનની પ્રતિજ્ઞા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુમાં કહ્યુ કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012થી લડત ચાલુ છે તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં ભાવનગર જિલ્લાના તમામ એસોસિએશન પણ હડતાળમાં જોડાયાં છે. ભાવનગર જિલ્લાના આશરે 450 જેટલા તબીબો હડતાળ પર છે, ત્યારે તેમની માંગણીઓ સ્વીકાર કરતો પરિપત્ર જ્યા સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દર્દીઓને બાનમાં લેવાનો અમારો કોઇ પ્રયાસ નથી. જો દર્દીને કંઇ થાય તો તેના માટે સરકારનો નાણા વિભાગ જવાબદાર રહેશે. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોર્મ હેઠળ ફરજ બજાવતા ડૉક્ટરોની વિવિધ પ્રકારની પડતર માંગણીઓ જેવી કે, તબીબ શિક્ષકો માટે નિમણૂક તારીખથી એન.પી.એસ લાગુ કરવામાં આવે, સાતમા પગારપંચ મુજબ એરિયર્સ ચુકવવામાં આવે, તબીબ શિક્ષકોને મેડિકલ તથા ટ્રાંસ્પોર્ટ એલાઉન્સ ચુકવવામાં આવે જેવી માંગો સ્વીકારતો પરિપત્ર સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Previous articleભાવનગરના શેત્રુંજી કાંઠાના પ્રદેશમાં ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરમાં દિકરી દિકરા સમોવડી બની, પુત્રીઓએ માતાને કાંધ આપી મુખાગ્નિ આપ્યો