૩૨ ફાટક પૈકી ૧૪ જગ્યા ઉપર અન્ડરપાસ બનાવાશે

838
રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરને રેલવે ફાટકમુક્ત બનાવવા અને રેલ્વે તંત્રના આ પ્રોજેકટ અનુસંધાનમાં રેલવે સત્તાવાળાઓ દ્વારા હાલમાં અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરનાં કુલ ૩ર ફાટક પૈકી ૧૪ જગ્યાએ અંડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આળી છે, જે પૈકી ત્રણ જગ્યાએ આ કામગીરીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં ચેનપુર, વંદેમાતરમ્‌ અને અગિયારશ માતાના મંદિર ખાતે અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે તો, મીઠાખળી, માદલપુર અને નિર્ણયનગરના ગરનાળાને પહોળા કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે સત્તાવાળાઓએ આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. બે ફાટક પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેગા કંપની અંડરપાસ બનાવશે.
અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર કુલ ૩ર રેલવે ફાટક છે. જે પૈકી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેનું મીઠાખળી ગામનું રેલવે ફાટક સહિતનાં બે રેલવે ફાટકને કાયમ માટે બંધ કરવા તેમજ રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ સિવાયનાં બાકીનાં ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ રેલવે ફાટક પર રેલવે સત્તાવાળાઓ દ્વારા અંડરપાસ બનાવાશે. શહેરની વચ્ચોવચ્ચથી પસાર થતી અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ ટ્રેનોની સંખ્યા અને ફ્રિક્વન્સીમાં વધારો થવાનો હોઇ પહેલાં તો રેલવે તંત્ર દ્વારા તમામ રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની દિશામાં આયોજન કરાયું હતું. પરંતુ જો આ ફાટક બંધ કરાય તો શહેરનો ટ્રાફિક બે ભાગમાં વહેંચાઇ જાય અને હજારો વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ જાયતેમ હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્ર વચ્ચે સતત પરામર્શ બાદ સંયુક્ત રીતે સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જેમાં રેલવે તંત્ર અંડરપાસના મુખ્ય ભાગ એટલે કે બોક્સને પોતાના ખર્ચે જ્યારે તેની બાજુના એપ્રોચ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા રૂ.પ૦ કરોડ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રૂ.૧પ કરોડની ચાલુ વર્ષના બજેટમાં ફાળવણી પણ કરાઇ છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) દ્વારા અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગ્રેજમાં રૂપાંતરણની કામગીરી હાથ ધરાઇ છે પરંતુ તે પહેલાં રેલવે ફાટક પર અંડરપાસ કે તેને પહોળો કરવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે. હાલમાં ચેનપુર ફાટક, વંદેમાતરમ્‌ ફાટક અને અગિયારશ માતા ફાટક ખાતે રેલવે અંડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. આ રેલવે લાઇન પરના ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ ફાટક ખાતે રેલવે વિકાસ નિગમ અંડરપાસ બનાવશે. વાડજના કિરણપાર્કના ફાટક નંબર આઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અંડરપાસ બનાવાશે. જ્યારે પાલડીના જલારામ ક્રોસિંગના રેલવે ફાટક નંબર ૧૭ ખાતે મેટ્રો રેલવેની મેગા કંપની દ્વારા અંડરપાસ બનાવવામાં આવશે. આ અંગે રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના રેલવે ઓવરબ્રિજ કે અંડરપાસ વગરનાં બાકી બચેલાં ૧૬ રેલવે ફાટક પૈકી ૧૪ રેલવે ફાટક પર રેલવે તંત્ર દ્વારા અંડરપાસ બનાવવાના હોઇ મ્યુનિસિપલ તંત્ર ફક્ત એપ્રોચ રોડ બનાવવાનો ખર્ચ ઉઠાવશે. જે કારણે મ્યુનિસિપલ તિજોરી પર ખાસ આર્થિક ભારણ પડ્‌યા વગર શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને નાગરિકોને પણ રાહત થશે.

 

Previous articleસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-સરકારી કંપનીઓના હોદ્દા IAS કેડર સમકક્ષ બન્યા
Next articleઈનોવેટીવ આઈડિયાને સાકાર કરવામાં સરકાર મદદ કરશે : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા