કોર્પોરેશનની મિલકત પર ગેરકાયદે કબ્જો છતાં મ્યુ.ડ્રેનેજ વિભાગ ઊંઘતો રહ્યો કે મિલીભગત હતી
શહેરના કરચલીયા પરા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાના બંધ પડેલા સ્નાન ઘરમાં માથાભારે તત્વોએ ઓફ્સિ બનાવીને જુગારધામ સહિતની કથિત ગેરકાયદે પ્રવૃતિ ચાલુ હોવાની શંકા અને બાતમીના પગલે ભાવનગરના એએસપી સફિન હસને ભાવનગર મ્યુનિ. અને વીજતંત્રને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા સમયે તાળું હતું જે તાળું તોડીને અંદર જોતા લકઝુરિયસ ઓફિસ બનેલી જોવા મળી હતી . જેમાં હોમ થિયેટર, ટીવી, પંખા ફ્રિઝ, સોફા, એસી સહિતનું રાચરચીલું હતું. તો, આ જગ્યાનો નિયમિત વપરાશ થતો હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાઈ આવ્યું હતું. આ જગ્યાનો ઉપયોગ અવાંતર હેતુથી થતો હોવાનું જણાતા અને મ્યુની.ની માલિકીની જગ્યામાં કબ્જો હોવાથી તેમાં રહેલ એસી.સોફા, ફ્રીજ, ટીવી, પંખા વિગેરે કબજે લેવાયું હતું. પોલીસના દરોડામાં આ ભાંડો ફૂટ્યો હતો પરંતુ મ્યુ. ડ્રેનેજ વિભાગ ઊંઘતો જ રહ્યો હતો. જોકે, મિલીભગત પણ હોવા અંગે શંકા ઉભી થઇ છે. દરમિયાનમાં ડ્રેનેજ અધિકારી સોમપુરાએ પોતે હજુ બે દિવસ પૂર્વે જ વિભાગનો ચાર્જ સંભાળ્યો હોવાનું કહ્યું હતું. જયારે આ જગ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવા તજવીજ થશે તેમ જણાવ્યું હતું.