બે વર્ષથી દુનિયા કોરોનાની દહેશત વચ્ચે જીવી રહી છે : અનેક દેશ ધીરે ધીરે નોર્મલ લાઈફ અપનાવવાની કોશિશ કરે છે, આ દેશમાં ભારત પણ સામેલ
નવી દિલ્હી, તા.૯
છેલ્લા બે વર્ષથી દુનિયા કોરોના મહામારીની દહેશત વચ્ચે જીવી રહી છે. અનેક દેશ ધીરે ધીરે નોર્મલ લાઈફ અપનાવવાની કોશિશ કરે છે. આ દેશમાં ભારત પણ સાલે છે. પરંતુ એકવાર ફરીથી દેશના ૫ રાજ્યોમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાના વધતા કેસ પર લગામ કસવાની સલાહ આપી છે. આ પત્રમાં દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમના પોઝિટિવિટી રેટ પર ચિંતા વ્યક્ત કરાઈ છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે કેરળમાં ગત સપ્તાહે ૨૩૨૧ નવા કેસ નોંધાયા છે. જે સમગ્ર દેશના કોરોના કેસના ૩૧.૮ ટકા છે. આ સાથે જ પોઝિટિવિટી રેટ ૧૩.૪૫ ટકાથી વધીને ૧૫.૫૩ ટકા થયો છે. મિઝોરમમાં ૮૧૪ નવા કેસ મળ્યા છે, જે સમગ્ર દેશના કેસમાંથી ૧૧.૧૬ ટકા છે. અહીં પણ પોઝિટિવિટી રેટ ૧૪.૩૮ ટકાથી વધીને ૧૬.૪૮ ટકા થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા ૭૯૪ કેસ નોંધાયા છે. જે દેશના કુલ કેસના ૧૦.૦ ટકા છે. અહીં પોઝિટિવિટી રેટ ૦.૩૯ ટકાથી વધીને ૦.૪૩ ટકા થયો છે. દિલ્હીમાં ૮૨૬ કેસ નોંધાયા છે. જે દેશના કુલ નવા કેસના ૧૧.૩૩ ટકા છે. દિલ્હીમાં પણ પોઝિટિવિટી રેટ વધીને ૦.૫૧ ટકાથી વધીને ૧.૨૫ ટકા થયો છે. જ્યારે હરિયાણામાં ૪૧૬ નવા કેસ મળ્યા છે. જે દેશના કુલ કેસના ૫.૭૦ ટકા છે. અહીં પણ પોઝિટિવિટી રેટ વધીને ૦.૫૧ ટકાથી ૧.૦૬ ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ૫ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કોરોના વાયરસના વધતા કેસ પર સાવધાન રહેવા કહ્યું છે.
દેશમાં છેલ્લા ૨૪ કોરોના વાયરસના ૧૧૦૯ કેસ આવ્યા છે. દેશમાં કોરોોના વાયરસ બીમારીનો પોઝિટિવિટી રેટ એક ટકાથી પણ ઓછો છે. ભારતમાં હાલ કોરોના વાયરસના કુલ ૧૧,૪૯૨ એક્ટિવ દર્દીઓ છે. પરંતુ ૫ રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેણે સરકારની ચિંતા વધારી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ચેતવણી આપી છે કે આ પાંચ રાજ્ય ટેસ્ટિંગ વધારે અને જરૂર પડ્યે કન્ટેનમેન્ટ ઝોન વધારવામાં પણ ખચકાટ ન અનુભવે. પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની બેદરકારી સમગ્ર દેશને ભારે પડી શકે છે.