શેત્રુંજીની છાયામાં ભાતીગળ ભરતગૂંથણના મંચ પરથી ભારતભૂમિની ભાવવાણીમાં ભીંજાયા ભાવુકો

46

ટીમાણા ગામની શાળામાં યોજાયો ’વસુંધરાની વાણી’ કાર્યક્રમ
શેત્રુંજીની છાયામાં ટીમાણા ગામે આજે ભાતીગળ ભરતગૂંથણના મંચ પરથી ભારતભૂમિની ભાવવાણી રજૂ થઈ ત્યારે સૌ ભાવુકો રસથી ભીંજાયા હતા. ’વસુંધરાની વાણી’ કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ગોહિલવાડની ભૂમિ પર ત્રિદિવસીય ’વસુંધરાની વાણી’ કાર્યક્રમમાં ત્રીજા દિવસે સવારે ટીમાણા ગામે શ્રી ગણેશ વિદ્યાલય ખાતે દેશના વિવિધભાગના કલાકારોએ સૌને પરમતત્વને પામવાના સંદેશા રૂપી ભજન વાણી પીરસી હતી.

જાણિતા સર્જક અને મોજીલા એવા ધ્રુવ ભટ્ટના નેતૃત્વ સાથે લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના સહકાર સાથે શેત્રુંજીની છાયામાં ટીમાણા ગામે આજે કાંધી, તોરણ, ચાકળા…વગેરે ભાતીગળ ભરતગૂંથણના સજાવેલા મંચ પરથી ભારતભૂમિની ભાવવાણી રજૂ થઈ હતી. જેમાં શ્રી બટુકભાઈ પનોત, શ્રી મહાશંકરભાઈ લાધવા સાથે શ્રી લખનભાઈ જાની દ્વારા સુંદર સહયોગ રહ્યો. આ ઉપક્રમના અગ્રણી શબનમ વિરાણી સાથે જેસલમેર, કચ્છ તેમજ બંગાળના કલાકારોએ પોતપોતાના પ્રદેશની તળપદી ભજન વાણી પીરસી હતી જેમાં સૌ ભાવુકો રસથી ભીંજાયા હતા. શ્રી ગણેશ વિદ્યાલયના વિદ્યાર્થીઓ યશ ધામેલિયા, જૈનમ પરમાર, પૂષ્પા પંડ્યા તથા સાક્ષી ધાંધલા દ્વારા કલાકારોના પરિચય અપાયા હતા.અહીંના અગ્રણી ભાઈશંકરભાઈ ધાંધલ્યાએ ઝવેરચંદ મેઘાણીના સ્મરણ સાથે રચના રજૂ કરેલ. ત્રિદિવસીય આયોજનમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારના ભાવનાબેન પાઠક, પાતુભાઈ આહીર, એભલભાઈ ભાલિયા સાથે ઢેઢુકી સંસ્થાના ચૈતન્યભાઈ ભટ્ટ અને કાર્યકરો તથા વિદ્યાર્થીઓ જહેમતમાં રહ્યા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં ૬૩ સેન્ટરો પર લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ
Next articleઆજથી પીજીવીસીએલ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં ૩ દિવસ લાઈટ કાપ રહેશે