ગઇ તા.૧૧ એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે : ભાવનગર શહેરની ૧૧૪ સ્વનિર્ભર શાળામાં ૨૫ ટકા લેખે ૧૦૫૮ સીટો ધો.૧ માં ભરાશે
આર.ટી.ઇ. હેઠળ ધો.૧માં પ્રવેશ મેળવવા ગઇ તા.૩૦-૩ થી ઓનલાઇન પોર્ટલ ખુલ્લુ મુકાયું હતું અને ભાવનગર શહેરની ૨૫%ના નિયમ મુજબ ૧૦૫૮ સીટ માટે અત્યાર સુધીમાં ૪૨૫૧ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૨૯૨૧ એપ્રુવ થયા હોવાનું જણાયું છે.રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ચાલુ વર્ષે સત્ર પૂર્ણતાના આરે છે. ત્યારે જ વ્હેલી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જેમાં સ્વિર્ભર શાળાના ધો.૧ના કુલ સંખ્યાના ૨૫ ટકાનો નિયમ મુજબ ખાલી પડેલી સીટ પર આ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શિક્ષણ આપવા પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે. ગઇ તા.૩૦-૩ થી વેબસાઇટ પર ઓનલાઇનના માધ્યમથી પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. જેમાં ભાવનગર શહેરની ૧૧૪ શાળામાં ૨૫ ટકા લેખે ગણતરી મુજબ ૧૦૫૮ સીટ જણાય છે. જેમાં પ્રવેશ માટે આજે ૧૧માં દિવસ દરમિયાન કુલ ૪૨૫૧ ફોર્મ ભરાયા હોવાનું જણાયું છે. જોકે આમાંથી વિગતો અને આધારોની ચકાસણી બાદ ૨૯૨૧ ફોર્મ એપ્રુવ કરાયા હોવાનું જણાયું છે. તો ૨૭૬ ફોર્મ રીજેક્ટ થયા છે અને ૨૬૩ ફોર્મ કેન્સલ થવા પામ્યા છે. જ્યારે ૭૯૧ ફોર્મ પર હાલ કામગીરી શરૂ હોવાનું જણાયું છે. આમ માત્ર ૧૧ દિવસમાં આરટીઇ હેઠળ ૧૦૫૮ કુલ જગ્યા સામે ૨૯૨૧ ફોર્મ એપ્રુવ થયા છે. જોકે આગામી તા.૧૧-૪ સુધી ઓનલાઇન ફોર્મ ભરવા પોર્ટલ ખુલ્લુ રહેવાનું છે.