સુરત,તા.૧૦
સુરતમાં મેરેથોનમાં બાળકો શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનનો વેશ ધારણ કરીને ૨૦૦ અને ૪૦૦ મીટરની દોડ લગાવી હતી. મેરેથોનમાં બાળકોના માતા-પિતા પણ દોડમાં સહભાગી થયા હતા. બાળકોએ સ્ટેજ પરથી ભગવાન શ્રીરામના આદર્શ ગુણો અને પ્રેરણાદાયી જીવન પ્રસંગોનું વર્ણન કર્યું હતું. ઉપરાંત, ગ્રાઉન્ડ પર બાળકોએ મનોરંજન પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનાર બાળકોને ટી-શર્ટ, મેડલ, પ્રમાણપત્ર, નાસ્તો અને અનોખી રામાથોનનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેરેથોનનો હેતુ કોરોનાની વિકટ સ્થિતિ બાદ બાળકોમાં નવી ઉર્જા પૂરવા, મોબાઈલ સુધી સીમિત થયેલા બાળકોને ફરી મેદાન સુધી લાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. દેશના ૫૭ શહેરોમાં કાર્યરત ‘યંગ ઈન્ડિયન’ સંસ્થાના સુરત ખાતેના ચેરપર્સન સી.એ. લવકુશ સોમાણીએ જણાવ્યું કે, બાળકોને મનોરંજન અને રસપ્રદ પ્રવૃત્તિઓ સાથે જોડીને ભવિષ્યના સભ્ય નાગરિક બનાવવાનો આ પ્રયાસ છે. સુરતમાં રામ નવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વેસુ મગદલ્લા રોડ ખાતે અનોખી કિડ્સ મેરેથોન ‘રામાથોન’યોજાઈ હતી. જેને હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.સૌપ્રથમવાર ગુજરાતના સુરતમાં રામનવમીના પવિત્ર પર્વે ’સર્વ ધર્મ સમભાવ’ને ઉજાગર કરતી ‘રામાથોન’ યોજાઈ હતી. જેમાં ૧૧ વર્ષ સુધીના વિવિધ ધર્મના અંદાજિત ૫૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.