ગુરૂવારે ભાવનગર શહેરમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી થશે

616

શોભાયાત્રામાં વર્ષીતપ અને શાશ્વતી ઓળીના તપસ્વીઓ સામેલ થશે : અહિંસા અને કરૂણાના સંદેશના પ્રચારાર્થે બુધવારે વિશાળ સ્કુટર રેલીનું પણ આયોજન
ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે આગામી તા.૧૪ એપ્રિલે મહાવીર પરમાત્માના જન્મ કલ્યાણકની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આ અવસરે વિશાળ અને રંગદર્શી રથયાત્રા, આંગીના દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જૈનોના ૨૪ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પરમાત્માના જન્મ કલ્યાણકની તા.૧૪.૪ ને ગુરૂવારે ઉજવણી કરાશે.આ પ્રસંગે ભાવનગર જૈન સંઘના ઉપક્રમે બિરાજમાન આચાર્ય નિર્મળચંદ્ર મ.સા.આદિ ઠાણાની નિશ્રામાં સવારે ૮.૩૦ કલાકે ભવ્યાતિભવ્ય રથયાત્રા શહેરના મોટા દેરાસરથી નિકળી મુખ્ય માર્ગો પર થઈ દાદાસાહેબ ઉતરશે. આ શોભાયાત્રામાં ભાવનગર સંઘના પાઠશાળાના બાળકો, વિવિધ મંડળના બાળકો, વિવિધ મંડળના બહેનો, બેન્ડ, પરમાત્માનો રથ વ. ૭૦ આઈટમો અને સમસ્ત ભાવનગર સંઘના શ્રાવક, શ્રાવિકાઓ તથા સામુદાયિક વર્ષીતપ અને શાશ્વતી ઓળીના તપસ્વીઓ સામેલ થશે. વિશેષમાં પરમાત્માના જન્મ કલ્યાણક દિવસે સંઘના ઘેર ઘેર દિવડા પ્રગટાવાશે અને આસોપાલવના તોરણ બંધાશે. આ ઉપરાંત શહેરના દાદાસાહેબ તથા કૃષ્ણનગરના દેરાસરમાં પરમાત્માને આંગી થશે. તા.૧૪મીએ દાદાસાહેબમાં બપોરે ૨ કલાકે ધાર્મિક કાર્યક્રમનું વિશિષ્ઠ આયોજન કરાયેલ છે. વિશેષમાં આ નિમીત્તે તા.૧૩.૪ ને બુધવારે સવારે ૬.૩૦ કલાકે ગામની આયંબીલ શાળામાં નવકારશી બાદ ભાવનગરમાં પ્રભુની અહિંસા, કરૂણાના સંદેશ અર્થે સ્કૂટર યાત્રા નિકળશે. જેમાં સંઘના યુવાનો સફેદ ડ્રેસમાં જોડાશે. આ સ્કુટરયાત્રા મોટા દેરાસરથી નિકળી ગોડીજી (ક્રેસંટ), કૃષ્ણનગર, સુભાષનગર, રૂપાણી, વિદ્યાનગર, શાસ્ત્રીનગર, મરચન્ટ પાર્ક થઈ દાદાસાહેબ જિનાલયે જશે. આ યાત્રામાં સંઘના યુવાનો બહોળી સંખ્યામાં જોડાશે તેમ સંઘના અગ્રણીઓએ અંતમાં જણાવ્યુ હતુ.

Previous articleસુરતમાં રામનવમી નિમિત્તે બાળકોની મેરેથોન યોજાઈ
Next articleલીમખેડા નગરમા રામ નવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા