શેત્રુંજીની છાયામાં ’વસુંધરાની વાણી’ ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને નાચ્યાં હતાં
જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટના આયોજન અને કાર્યકર્તા ગાયક શબનમ વિરાણીના સંકલન સાથે ત્રિદિવસીય ’વસુંધરાની વાણી’ કાર્યક્રમોમાં સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધાર ખાતે દેશના વિવિધ ભાગના લોક કલાકારોએ વિવિધ સ્થાનિક ભાષાની ભજન અને લોકવાણી પ્રસ્તુત કરી હતી.
રવિવારે સાંજે માઈધાર ખાતેના કાર્યક્રમમાં આ કલાકારોએ પોતાની કળાની પરાકાષ્ઠાએ પ્રસ્તુતિ કરી જ્યાં ધ્રુવ ભટ્ટ, અરુણભાઈ દવે, નલિનભાઈ પંડિત, મહેન્દ્રસિંહ પરમાર સહિત સ્થાનિક આગેવાન કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગ્રામજનો પોતાના પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને ખૂબ નાચ્યાં હતાં. એક એ પણ વાત છે કે, આ વેળાએ બંગાળી કલાકારોએ રજૂ કરેલ બંગાળી ગાનના એક પણ શબ્દો કોઈ સમજતું ન હતું. છતાં, પણ તેના સંગીત સાથેના સુર અને તાલથી સૌ ઝૂમતા રહ્યાં હતાં.
આ લોકવાણીના ઉત્સવમાં લોકભારતીના હસમુખભાઈ દેવમુરારી, લોકનિકેતન રતનપરના કિરણભાઈ વગેરે સાથે ગુજરાત તથા દેશના અન્ય ભાગના રસિકો સાથે રહ્યાં હતાં. ઢેઢુકી સંસ્થાના ચૈતન્યભાઈ ભટ્ટના કાર્યક્રમ સંચાલન સાથે અગ્રણી દિનેશભાઈ ડાંગરે આ ગામમાં આવાં કલાકારોના કાર્યક્રમનો લાભ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. શેત્રુંજીની છાયામાં ’વસુંધરાની વાણી’ આયોજનમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય, માઈધારના ભાવનાબેન પાઠક, પાતુભાઈ આહીર અને એભલભાઈ ભાલિયા રહ્યાં હતાં. આજના પ્રસંગમાં શૈશવ ભાવનગરના પારુલબેન શેઠ, સુભાષભાઈ ભટ્ટ, આશિષભાઈ શુક્લ, પાલિતાણાના ઘનશ્યામસિંહ રાઠોડ, લાલજીભાઈ સોલંકી સહિત અગ્રણી કાર્યકરોએ લાભ લીધો હતો.