ક્રૂડના ભાવ ૨૪ ટકા ઘટતાં પેટ્રોલ-ડિઝલ સસ્તા થઈ શકે

158

એક સમયે ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૩૦ ડોલરની ઉપર જતો રહ્યો હતો જે હવે ઘટીને ૧૦૦ ડોલરથી પણ નીચે
નવી દિલ્હી, તા.૧૧
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની સાથે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં એટલો વધારો થયો કે નાગરિકોમાં હાહાકાર મચી ગયો છે. તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર સહન કરતા લોકો માટે હવે એક રાહત સમાન સમાચાર છે. ક્રૂડ ઓઈલનો ભાવ કેટલાક સમયથી સતત ઘટી રહ્યો છે અને ટોચ પરથી લગભગ ૨૪ ટકા નીચે આવી ગયો છે. તેના કારણે રોજેરોજ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાં રાહત મળશે. એક સમયે ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૧૩૦ ડોલરની ઉપર જતો રહ્યો હતો જે હવે ઘટીને ૧૦૦ ડોલરથી પણ નીચે આવી ગયો છે. તેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભાવવધારાને બ્રેક મારે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની અંડર રિકવરી ઘટી છે. એક અધિકારીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની એક મર્યાદા હતી. જે કરવાનું હતું તે થઈ ગયું છે. હવે વધુ ભાવવધારાની શક્યતા નથી. બજાર અત્યારે વોલેટાઈલ છે અને ડોલર કઈ દિશામાં જશે તે નક્કી નથી. ૭ એપ્રિલે ભારત માટે ક્રૂડ ઓઈલનો ભાવ ૯૭.૫૯ ડોલર પ્રતિ બેરલ થયા બાદ તે દિવસથી જ પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો અટકાવી દેવાયો હતો. માર્ચના મધ્યમાં ભાવ ૧૩૦ ડોલરે હતો જે લગભગ ૨૪ ટકા ઘટ્યો છે. છેલ્લે ૬ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૮૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧૬ દિવસની અંદર કુલ ૧૪ વખત ઇંધણના ભાવ વધ્યા જેના કારણે લિટર દીઠ લગભગ ૧૦ રૂપિયાનો ભાવવધારો થયો હતો. ક્રૂડના ભાવ ઘટવા માટે બે-ત્રણ કારણો જવાબદાર છે. ચીનમાં કોવિડના કેસ વધવાના કારણે તેની માંગ નરમ પડવાની શક્યતા છે. બીજી તરફ રશિયા પર પ્રતિબંધ લાદવામાં યુરોપના દેશોમાં પણ સંપ નથી. યુરોપના કેટલાક દેશો રશિયાનું ક્રૂડ ખરીદી રહ્યા છે.
૫ નવેમ્બર ૨૦૨૧થી ઓઈલ રિટેલર્સે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર કરી દીધા હતા. પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇંધણનો ભાવવધારો અટકાવી દેવાયો હતો જે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ૮૫ ડોલરથી વધીને ૧૦૦ ડોલરને પાર કરી ગયો હતો. ત્યાર પછી ચૂંટણીના રિઝલ્ટ આવી ગયાના લગભગ એક પખવાડિયા પછી ૨૨ માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ ભાવ વધારવામાં આવ્યા હતા.

Previous articleસાનમાં સમજો મોલના માલિક! બાકી રબદી મરજી માલિક!!!
Next articleશાહબાઝ શરીફ ૧૭૪ સાંસદોના સમર્થન સાથે પાક.ના નવા વડાપ્રધાન