તખ્તેશ્વર ફિલ્ટર તળેના વાઘાવાડી, સંસ્કાર મંડળ, કાળાનાળા, નવાપરા, રૂવાપરી રોડ, માણેકવાડી સહિતના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ નહિ થઈ શકે
આવતીકાલે તા. ૧૩ને બુધવારના વીજ તંત્ર દ્વારા તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ પર સવાર ના ૭.૩૦ થી ૧૨ સુધી પાવર કાપ હોય આથી પાણી સપ્લાય ડિસ્ટર્બ થશે. આ ફિલ્ટર તળેના એક મોટા વિસ્તારમાં પાણી વિતરણ નહિ થઈ શકે જયારે અન્ય ભાગોમાં પાણી વિતરણ મોડું થશે. વીજ તંત્રના કાપના કારણે વિસ્તારના લોકોએ ગરમીમાં પરસેવે નહાવું પડશે ઉપરાંત પાણી વિતરણમાં પણ અગવડતાનો સામનો કરવો પડશે. લગભગ ૫૦ હજાર લોકોનું પાણી વિતરણ અટકશે તેમ જાણવા મળ્યું છે. વિજકાપના કારણે શહેરના તખતેશ્વર પ્લોટ, શિલ્પીનગર, કાળુભા રોડ, વાઘાવાડી રોડ, ગુલીસ્તા સામેનો વિસ્તાર, સંસ્કાર મંડળ, ઉપરકોટ, નાનભા વાડી, નવાપરા, રબ્બર ફેક્ટરી, હરિયાળા પ્લોટ, ડી. એસ. પી. ઓફિસ રોડ ડાયા ડરઝન, શિક્ષણ સમિતિ રોડ આ તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે. સિટી વિસ્તારના રૂવાપરી રોડ, જૂની માણેકવાડી આ તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેશે. જયારે અન્ય વિસ્તારમાં પાણી સપ્લાય એકથી ૬ કલાક સુધી મોડો થશે. વિજકાપના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાવાની સ્થિતિથી મ્યુ. વોટર વર્ક્સ વિભાગ પણ ધંધે લાગી ગયો છે.
ઘોઘાસર્કલ, મેઘાણી, આંબાવાડી, રૂપાણી, સરદારનગરમાં સમયપત્રક ખોરવાશે
સમગ્ર ઘોઘા સર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ટી. વી. કેન્દ્ર, શ્રમજીવી અખાડા, રાજારામ અવેડા, ગોળીબાર હનુમાનજી આસપાસનો વિસ્તાર આ તમામ વિસ્તારમાં પાણી સપ્લાય પાવર રીસ્ટોર થયાં બાદ બપોરના ૧.૩૦ વાગ્યાંથી શરૂ કરવામાં આવશે. પાણી સપ્લાય નિયત સમય થી ૬ કલાક મોડો રહેશે. જયારે આતાભાઈ, રૂપાણી સર્કલ, સરદારનગર વિસ્તારનો પાણી સપ્લાય નિયત સમયથી એક કલાક મોડો રહેશે.