વલ્લભીપુરમાં ધોળે દિવસે સ્ટ્રીટ લાઈટો શરૂ : પ્રજાને આર્થિક ધુમ્બો

61

દી’ઉગ્યે લાઈટો બંધ ન કરતા પાલિકા માથે વધતું બીલનું ભારણ
વલ્લભીપુર શહેરની સ્ટ્રીટ લાઈટો ધોળે દિવસે ચાલુ રહેતી હોવાના અહેવાલો ગત સપ્તાહે ચમક્યા હતા. આ અહેવાલ બાદ આશાવાદ સેવાતો હતો કે તંત્રવાહકો આ બાબતે સત્વરે પગલાં ભરશે. પણ પાંચ દિવસ બાદ પણ હજુ સવારે ૮થી ૮ઃ૩૦ સુધી સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા લોકોમાં નગરપાલિકાના જવાબદારો સામે રોષ વ્યાપી રહ્યો છે. ઉક્ત બાબતે શહેરના જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખ, સીટી એન્જીનીયર, પાલિકા સભ્યો સહિતના જવાબદારોને મૌખિક રજૂઆતો કરી હતી. તાજેતરમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પણ આ અંગે રજુઆત થઈ હતી છતાં વલ્લભીપુર શહેરમાં મોડે સુધી સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેવાનો સિલસિલો અટકતો નથી. આ અંગે કારણ પૂછતાં એવો લુલો બચાવ કરવામાં આવ્યો હતો કે, સ્ટ્રીટ લાઈટો બંધ ચાલુ કરવાનું મોનીટરીંગ ગાંધીનગરથી થાય છે. શિયાળામાં મોડે સુધી લાઈટો ચાલુ રાખવાનો સેટ થયેલો પ્રોગ્રામ હજુ બદલાયો ન હોવાથી મોડે સુધી લાઈટો ચાલુ રહે છે. અભણને પણ આંટી દ્યે એવી અજ્ઞાનતા ધરાવતા તંત્રવાહકોએ ઊંધા ચશ્માં પહેરાવવાની નાકામ કોશિશ કરી હતી. જો ગાંધીનગરથી જ લાઈટ ચાલુ બંધ કરવાનું સેટિંગ થતું હોય કે ત્યાંથી કોડ આવતો હોય તો અન્ય શહેરોમાં મોડે સુધી સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેવાની સમસ્યા કેમ નથી? ઉલ્લેખનીય છે કે સ્ટ્રીટ લાઈટનું લાખોનું બિલ ચડત થઈ જવાથી ગત માસે જ વલ્લભીપુરના ૭ મુખ્ય કનેક્શન પીજીવીસીએલએ કટ્ટ કર્યા હતા. પછેડી એટલી સોડ તાણવાની કાઠિયાવાડમાં કહેવત છે. વલ્લભીપુર નગર પાલિકા પછેડી કરતા વધુ સોડ તાણતી હોય એવો ઘાટ ઘડાયો છે. જુના બાકી બિલ પેટે અમુક રકમનો ચેક જ આપ્યો હોય હજુ જૂનું દેણું પણ બાકી છે ત્યારે ધોળે દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખીને તંત્રવાહકો બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ધોળે દિવસે આવા કાળા પાપના જવાબદારો સામે ક્યારે પગલાં ભરાશે એ હવે જોવું રહ્યું.

Previous articleભાવ. યુનિ.મંડળી દ્વારા સભાસદો માટે યોજાયો બેઝિક હેલ્થ ચેકઅપ કેમ્પ
Next articleમોનાલિસાએ બ્લેક શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી