બિલ્ડરોને વધુ છંછેડશો તો તે યુક્રેન જતા રહેશે. ત્યાં બિલ્ડંગના ધંધામાં પાંચેય આંગળીયું ઘીમાં રહેવાની છે!!

207

ચૂંટણીના સમયમાં નામી-અનામી પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. શરૂઆતના સમયમાં લોકો તે વાંચતા પણ નહીં. કોઇ પણ જાતની હોહા વિના સ્ટેજ પર નેતાઓ ઓડિયન્સ( જો હોય તો?) એક બુક દેખાડતા. માનો કલ્પવૃક્ષ હોય અને તમારી તમામ છચ્છા , મહેચ્છા, કામના, મનોકામના પૂરી ન થવાની હોય. અલાઉદીનના જાદુઈ ચિરાગ જેવું. ચિરાગ ઘસો એટલે પહેલવાન સરખો અડદવર્ણો જીન પ્રગટ થાય. તમારી છચ્છા જણાવો એટલે હુકમ મેરે આકા કહીને અલોપ થાય!! પછી પાંચ વરસે પાછો મતો લેવા પ્રગટ થાય. કેટલાક તો સ્મૃતિભંશથી પીડાતા હોય એટલે જીવનો ચહેરો ભૂલી જાય. જીન આધારકાર્ડ અને પેન જેના દસ્તાવેજો દેખાડે એટલે આપણને થાય કે આ જ શખ્સ છેલ્લાં પાંચ વરસથી આપણને મામા, કાકા , ફૂઆ બનાવે છે. ટુંકમાં આ ફેઇક જીન નથી પાર્ટી સર્ટિફાઇડ આઇએસઓ-૨૦૨૨ જીન છે!!!
ચૂંટણી ઢંઢેરો એટલે શું? ચાંદ તારા તોડવાનો વાયદો. નદી ન હોય ત્યાં પુલ બાંધવાનો જાસો. રેતીમાં ક્રૂઝ ચલાવવાનો વાયદો. ભર બપોરે કે મધરાતે મેઘધનુષ દેખાડવાનો ઉપક્રમ!! કુંવારાને અગિયાર પુત્રોની ઇલેવન આપવાનો તકલાદી નિર્ધાર.ટુકમાં ચૂંટણી ઢંઢેરો મિડાસ ટચ છે. જેને અડકે તે ગુલાબી ગપ્પા થઇ જાય.
આપણા આદિ કવિ નરસિંહ મહેતા કહી ગયા છે. અલબત, ચૂંટણી ઢંઢેરા માટે જ કહી ગયા છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વધુમાં કહે છે નામરૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોય.ચૂંટણી ઢંઢેરાનું પણ હરિ તારા નામ છે હજાર કયાં નામે લખવી કંકોતરી. સતયુગમાં ચૂંટણી ઢંઢેરો કયાં નામે ઓળખાતો હશે તે જાણમાં નથી. પણ આ જગતમાં તે સંકલ્પપત્ર સ્વરૂપે વિદ્યમાન હોય છે. કોંઇ તેને વિજય પત્ર કહે છે.કોઇ લોકાજ્ઞાપત્રિકા કહે છે. કોઇ તેને પ્રોજકટ કે પ્રોડકટની જેમ ગેરેંટીકાર્ડ કહે છે. વ્યાપાર જગતમાં તેનાથી ઉલ્ટી સ્થિતિ હોય છે. કંપનીઓ ગેરેંટી શબ્દથી ઉપસ્થિત થતી કાનૂની લફરાબાજીથી દાઝેલા હોય છે. એટલે પ્રોડકટને વિશ્વમોહિની જેવું છદ્મ અને રૂપકડું એવું વોરંટી એવું નામાભિધાન કરે છે!!!ટુંકમાં સર્વિસ આફટર સેલ્સ જેવી પરિ- પરીક્લ્પના છે!! આમ, તો બે – પ્રજા અને પાર્ટીએ ભૂલી જવાની ઘટના છે. કેટલાક નવરાધૂપ અને ખણખોદિયા ચૂંટણી ઢંઢેરાના અમલ બાબતે રીતસર સંશોધન કરે છે. ડુંગર ખોદીને ઉંદર જેવું તારણ તારવે છે. ચૂંટણી ઢંઢેરામાં આપેલા વતનની ૧૦૫ % અમલ થયેલ નથી.( આમાં એવું છે કે ચૂંટણી ઢંઢેરાના વચન પર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું પડે છે!!)ટુંકમાં ચૂંટણી ઢંઢેરો એટલે હવામાં બાચકા ભરવા. આકાશમાં ફૂલો ખીલવવા.!!
આવું જ કામકાજ બિલ્ડરોનું છે. ગામના ગોંદરે સ્કિમ મુકે. અખબારમાં પાના ભરીને ચળકતા ગ્લોસી પાનાંમાં ફટાકડી મોડેલ લઇ કલર જાહેરખબર છપાવે . પ્લોટ કે ટેનામેન્ટ કે ફલેટ બુક કરાવનાર પહેલાં દસ ભાગ્યશાળી ( બિલ્ડરોની ભાષામાં બકરા)ને આકર્ષક ઇનામ આપવાનું ગાજર લટકાવે કે મધલાળ આપે. આ ઇનામની લાલચે ગીલોટીન થઇ જાય. જમીનો લોચાવાળી હોય, ભાગીદારોમાં ડખ્ખા હોય પાંચ માળ બાંધવાની મંજૂરીમાં પંદર માળ તાણી કાઢે, કોમન પ્લોટમાં ગેરકાયદેસર મકાનો બાંધી કાઢે , ફાયર સેફટીના ઠેકાણા ન હોય, કટ ઓફ ડેટે ખરીદનારને પજેશન ન આપવું.કેટકેટલા કેમિકલ લોચા!!
પોલિટિકલ પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરાની જેમ સ્કિમના બ્રોશર છપાવે. એમાં આંબલીપીંપળી બતાવે. સ્કિમ પૂરી થાય ત્યારે મા કસમ ફલેટ કે ટેનામેન્ટને બાદ કરતાં એક પણ એમેનિટીઝ હોય. બિલ્ડરો મેઇનન્ટેન્સનું તગડું ફંડ પણ મનચાઉની જેમ ચાઉ કરી જાય!!
સામાન્ય માનવી ઘરના ઘરના કોસ્ટલી અમે હાઇલી એકસપેન્શીવ ડ્રિમને સાકાર કરવા શું શું જહેમત ઉઠાવે છે તેનું માઇન્ડ બ્લોઇંગ પિકચરાઇઝેશન “ખોસલા કા ઘોંસલા “ થયેલ છે!!
ગિફ્ટ સિટીમાં શોભા એવલોન નામથી ૧૯૦ કરોડનો પ્રોજેક્ટ મૂકનાર બેંગલુરુની શોભા લિમિટેડને પ્રોજેક્ટની જાહેરખબરમાં રેરાની વેબસાઇટ નહીં દર્શાવાતા ૧૦ લાખનો દંડ કર્યો છે.
વડોદરાના ડવડેક પ્રોજેક્ટના બિલ્ડરને હાઇકોર્ટે એક લાખનો દંડ કર્યો છે. આ પ્રોજેક્ટના ફ્લેટધારકનો પૈસા પરત ચૂકવવાના રેરા(રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી)ના આદેશનું પાલન ન થતાં ફ્લેટધારક અને બિલ્ડર બન્ને એ પિટિશન કરી હતી. જો કે બિલ્ડરે તેના પ્રોજેક્ટ અંગેના અન્ય કેસોની માહિતી છૂપાવતા હાઇકોર્ટે એક લાખનો દંડ કર્યો હતો.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી, ગાંધીનગર(રેરા)એ રજીસ્ટ્રેશનના નિયમોના ભંગ બદલ મુંબઇના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝને અત્યાર સુધીનો સૌથી વધુ ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો દંડ છે જેમાં કુલ ૧૬ પ્લોટ દર્શાવવામાં આવ્યા હતા અને પ્રોજેક્ટની કિંમત ૧૭૪ કરોડ દર્શાવી હતી.લૉ ગાર્ડનમાં આવેલી ધ સેન્ટ્રલ પાર્ક સોસાયટીના તમામ યુનિટો વેચાઇ ગયા અને પઝેશન આપ્યા બાદ પણ બિલ્ડર એપટ્‌સ ઈન્ફ્રાએ ગ્રાહકો પાસેથી વસૂલેલી મેન્ટેનન્સની રકમ સોસાયટીના એકાઉન્ટમાં જમા નહીં કરાવાતા અને નિયત સુવિધા નહીં આપતા સોસાયટીના ૧૪ રહીશોએ રેરાને ફરિયાદ કરી હતી.
સોસાયટીના મેન્ટેનન્સના ૧.૫૭ કરોડ વ્યાજ સહિત તેમજ બાકી કામ પૂરા કરવાના ૧.૫૫ કરોડ મળી કુલ ૩.૧૨ કરોડ સોસાયટીમાં જમા નહીં કરાવતા રેરાએ બિલ્ડરની ત્રણ ખાનગી મિલકતોના વેચાણ કે મોર્ગેજ કરવા પર સ્ટે આપ્યો છે. વિલંબ બદલ રોજના ૫ હજાર લેખે ૯૫ હજાર દંડ પણ કર્યો છે. બિલ્ડરે સોસાયટીમાં જેનો ફ્લેટ ન હતો તેમને ચેરમેન બનાવી દીધા હોવાની રહીશોએ ફરિયાદ કરી હતી.
પ્રમોટરે ૨.૨૫ કરોડમાં એક યુનિટનું વેચાણ કર્યું છે .છતાં બ્રોશરમાં દર્શાવ્યા મુજબ ક્લબહાઉસ, જિમ, ઇન્ડોર ગેમ્સ, પ્લે એરિયા, સિનિયર સિટીઝન કોર્નર, ગજીબો, સોલાર રૂફટોપ પેનલ, વોટર સોફ્ટનર પ્લાન્ટ જેવી ૧૮ સુવિધા પૂરી પાડી નથી.
અમને ચિંતા પેઠી છે કે બિલ્ડરો બાપડા અને બિચારા છે. દરેકને માથા પર ફલેટ કે બંગલાની(બધું કન્યાની કેડ પર છે. ગોળ નાંખો એટલું ગળ્યું થાય) છત આપવા ભગીરથ પ્રયાસો કરે છે. પીએમ આવાસની સબસીડી ઓહીયા કરી જાય છે. ભાઇ તમારે ઘરનું કામ છે કે ગજીબોનું?( ગજીબો કંઇ બલા છે? તારે કસરત કરવી હોય તો બે ઇંટો કાફી છે!ઇંટો ઊંચકીશ એટલે વેઇટલિફટીંગ થઇ જશે ( મકાન બાંધકામમાં મજૂરણ એક તગારામાં વીસ બાવીસ ઇંટો ભરી પાંચમા માળે ચણતર માટે ભર બપોરે પહોંચાડે છે. તેને કયા કસરતની જરૂર છે?એક પણ મજૂરણોના શરીર સ્થુળ કે અદોદળા જોયા છે??મજૂરણોના શરીર પર ચરબીનો વધારાનો થર જોવા મળતો નથી.તમે પરિશ્રમ કરો પછી તમારે કયાં જીમની જરૂર છે? બિલ્ડરોને રાંડ તારો રોટલો કાચો ઢબે વખોડો છો? એ જમવામાં રૂપિયા પાંચસો કે બે હજારની નોટો, સોના ચાંદીના બિસ્કિટ કે ગચ્ચા ખાતો નથી. એ પણ રોટલી ખાય છે. બળ્યું રૂપિયા બાવીસ હજારની કિંમતનું ગાયનું શુધ્ધ ઘી રોટલી પર લગાવતો હશે કે સોનાના થાળી વાટકામાં રોટલીનું પ્રાસન કરતો હશે!! આ ધંધામાં કંઇ લાટા રહ્યા નથી . માત્ર સો ટકા મળતરનો ધંધો છે. સાલ્લું ધંધામાં પહેલાં જેવો કસ છે!! બિલ્ડરોને તમે બધા છંછેડશો તો તે યુક્રેન જતા રહેશે. ત્યાં બિલ્ડંગના ધંધામાં પાંચેય આંગળીયું ઘીમાં રહેવાની છે!!
– ભરત વૈષ્ણવ

Previous articleસામાજિક અને શૈક્ષણિક ક્રાંતિના જ્યોતિધર, જ્યોતિબા ફૂલે ની૧૯૫મી જન્મ જયંતી૧૧ એપ્રિલ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, ૯૮ ટકા વરસાદની સંભાવના