પાંચ વર્ષોમાં એપ્રિલમાં સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન, સવારે લઘુત્તમ તાપમાન ૨૨.૫ ડિગ્રી
નવી દિલ્હી, તા.૧૨
દેશના ઉત્તર ભાગોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં જ સૂર્યપ્રકોપ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આજે દિલ્હીમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, દિલ્હીમાં દિવસનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. જે છેલ્લાં પાંચ વર્ષોમાં એપ્રિલમાં સામાન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. દિલ્હીમાં સવારે લઘુત્તમ તાપમાન ૨૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. ઉત્તર ભારતના અનેક ભાગોમાં હીટવેવના કારણે સ્થિત વણસી છે, લોકો ગરમીમાં શેકાઇ રહ્યાં છે. હવામાન વિભાગે કહ્યું કે, ૭૨વર્ષમાં આ પહેલીવાર દિલ્હીમાં એપ્રિલના પહેલા ભાગમાં જ આટલું ઊંચું તાપમાન નોંધાયું છે. માહિતી પ્રમાણે આજે વાદળછાયા વાતાવરણને કારણે કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. આ પહેલાં વર્ષ ૨૦૧૭ માં ૨૧ એપ્રિલના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે બાદ ૨૯ એપ્રિલ, ૧૯૪૧ના રોજ ઉચ્ચ મહત્તમ તાપમાન ૪૫.૬ ઝ્ર હતું.