શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાધુ સંતો, રાજકીય- સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ભાવનગરમાં ગત રાત્રે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિ આરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવી આરાધક સેવક સમૂદાય આયોજિત આ કાર્યક્રમ ભાવનગર શહેરના ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આ અવસરે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ધર્મ,આધ્યાત્મ, સાહિત્ય અને સંસ્કૃતિ ભારતની પુરાતન પરંપરાને ટકાવવાનું કાર્ય કરે છે. ભાવનગરના જાણીતા જ્યોતિષ શૈલેષદાદા પંડિતે 41 દિવસનો હોમાત્મક યજ્ઞ-અનુષ્ઠાન વિશ્વ શાંતિ અને સમાજ કલ્યાણ માટે કર્યો છે. તત્ત્વ અને સત્ત્વની સિવાય આટલાં બધાં લોકો અને સંતો એકઠાં થવા એ શુદ્ધ ઇચ્છાથી કરેલું કાર્ય હોય તો જ થતું હોય છે અને ઈશ્વરના આશીર્વાદ હોય તો જ સંમ્પન્ન થતું હોય છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણે તો માત્ર નિમિત્ત છીએ. ઈશ્વરે નિર્ધારિત કરેલ કાર્ય આપણે કરીએ છીએ. અધર્મ, અનીતિ જીવનમાં ન આવે તેવાં આશીર્વાદ ઈશ્વર તરફથી આપણને સૌને મળે અને શૈલેષદાદાના યજ્ઞનું ફળ ભાવનગર અને વિશ્વને મળે તેવી મંગલ કામના તેમણે કરી હતી.
આ કાર્યક્રમમાં ભવ્ય ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના કાર્યક્રમમાં ગોરખનાથ આશ્રમ જૂનાગઢના મહંત અને હિન્દૂ હૃદયસમ્રાટ શેરનાથજીબાપુ ગુરુ ત્રિલોકનાથજી બાપુ , 1008 ખોડિયાર પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર ગરીબરામબાપુ (નાની ખોડિયાર, વરતેજ), 1008 અંબિકા પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ, સાંગાણા), મહંત આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ, બોટાદ), 1008 મહામંડલેશ્વર જીણારામબાપા (બા સાહેબની જગ્યા, સિહોર), મહંત રામચંદ્રદાસજી બાપુ (તપસીબાપુની વાડી, ભાવનગર), મહંત રામબાપુ (ઠાકર મંદિર, બાવળિયાળી ધામ), મહંત નીરૂબાપુ ( દાનેવ આશ્રમ, સણોસરા), મહંત રવુબાપૂ (વાંકીયા હનુમાન આશ્રમ, આંબલા), મહંત ધોકારામ બાપુ ગણેશ આશ્રમ, સિહોર), મહંત શ્રીરામદાસ બાપુ (ઓમનાથ મહાદેવ,ચૌદ નાળા,ભાવનગર), અવધીશાનંદ ભારતી બાપુ (મામાપીરની જગ્યા, સુખપર), મહંત વિલાસગીરીબાપુ પડઘલિયા મહાદેવ, હાથબ) એ ઉપસ્થિત રહી આશિર્વચન આપી ધર્મસભાને સંબોધિત કરી હતી. ધર્મસભા બાદ વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ અર્થે 41 દિવસ સુધી સતત મહા હોમાત્મક અને અનુષ્ઠાન કરનાર શક્તિ ઉપાસક એવમ્ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને યુવા લોકપ્રિય ગાયક પરેશદાન ગઢવીએ સંતવાણી રજૂ કરી હતી. આ પ્રસંગે મેયર કિર્તીબાળા દાણીધારીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા સહિતના રાજકીય મહાનુભાવો, ભાવનગર એ.એસ.પી સફીન હસન સહિતના અધિકારીઓ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.