ફુલે બાયોપિક : એક્ટર પ્રતીક ગાંધી બનશે મહાત્મા ફુલે

116

મુંબઈ, તા.૧૩
ભારતીય ઈતિહાસના સૌથી મોટા સમાજ સુધારક પૈકીના એક એવા જ્યોતિરાવ ફુલેના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં મહાત્માના નામથી પ્રખ્યાત એવા જ્યોતિરાવ ફુલે અને તેઓના પત્ની સાવિત્રીબાઈ ફુલેનું સમાજ માટેનું યોગદાન તેમજ દલિત, વંચિત અને મહિલાઓ માટે કરેલા ઉલ્લેખનીય કામને દર્શાવામાં આવશે. આ ફિલ્મની જાહેરાતની સાથે-સાથે તેનું એક પોસ્ટર પર રિલીઝ કરવામાં આવ્યું છે. મહાત્મા જ્યોતિરાવ ફુલેના જીવન પર આધારિત ફુલે નામની આ બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક્ટર પ્રતીક ગાંધીએ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે એક્ટર તરીકે દુનિયાને મહાત્મા ફુલે વિશે જણાવતા હું ગર્વ અનુભવી રહ્યો છું. સાથે જ આ ફિલ્મમાં એક્ટ્રેસ પત્રલેખા પણ જોવા મળશે. ફુલે નામની આ ફિલ્મનું ડિરેક્શન અનંત મહાદેવન કરશે. આ પોસ્ટરમાં એક્ટર પ્રતીક ગાંધી મહાત્મા ફુલેના રોલમાં જોવા મળી રહ્યો છે જ્યારે એક્ટ્રેસ પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેના રોલમાં જોવા મળી રહી છે. ફુલે ફિલ્મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થશે.
મહાત્મા જ્યોતિબા ફુલે એક વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતી, સ્ત્રીઓના ઉદય અને અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને વંચિતો માટેના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી તેમણે છોકરીઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે પૂના ખાતે સત્યશોધક સમાજ સંસ્થાની સ્થાપના કરી હતી. વેબ સિરીઝ જીષ્ઠટ્ઠદ્બ ૧૯૯૨માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને જોરદાર વાહવાહી મેળવનારા ગુજ્જુ બોય પ્રતીક ગાંધીને પોતાની કરિયરની શરુઆતના દિવસોમાં જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં પ્રતીકે જણાવ્યું હતું કે મુંબઈમાં આવ્યો ત્યારે પહેલા-પહેલા તો કેટલાય લોકોએ રિજેક્ટ કર્યો હતો અને તેની સામેના પડકારો ઓછા નહોતા. જોકે, તેણે પણ નક્કી કર્યું હતું કે ગમે તે થાય પરંતુ તે એક્ટિંગ પ્રત્યેના પોતાના ઝનૂનને ક્યારેય નહીં છોડે. પ્રતીક મૂળ સુરતનો છે. પોતાની કરિયરમાં આગળ વધવાના સપના સાથે તે એન્જિનિયરિંગની ડિગ્રી અને થિયેટરના થોડા-ઘણા અનુભવ સાથે મુંબઈ આવ્યો હતો.

Previous articleઓનલાઇન અભ્યાસથી બાળકોની આંખો પર ગંભીર અસર
Next articleચેન્નઈ સુપર કિંગ્સે પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો