“ભારતીય સંવિધાનનાં શિલ્પકાર બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો શૈક્ષણિક સંઘર્ષ”

165

ભારત રત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ મધ્યપ્રદેશ (તે સમયનાં સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમનાં પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતાં. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતાં. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથીજ બાળક ભીમરાવમાં માતા-પિતાના સંસ્કારો ઊતર્યા. જ્યારે ભીમરાવ ૬ વર્ષની ઉંમરના થયા, ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રનાં રત્નાગીરી જિલ્લાનાં અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
ભીમરાવના કૉલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ.૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂંક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું. ભીમરાવે નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબજ દુઃખ થયું.
વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાંક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતાં. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક સમાન્ય પરિવારનો વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો સર કરવા ન્યૂયોર્ક પહોંચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કરી અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬માં એમણે પીએચ.ડી. માટે, ‘બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને સર્વોચ્ય એવી પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યાં. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભૂખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકૂળ સંજોગો અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઈંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂંક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ આભડછેટ અને અપમાન જેવી મુશ્કેલીઓને લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં. ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી.
ડૉ. આંબેડકર હિંમત હારી જાય તેવા કાચાપોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી. ૧૯૧૮માં મુંબઈની સિડનહામ કૉલેજમાં તેઓ પ્રોેફેસર તરીકે જોડાયા. આર્થિક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ. આંબેડકર ઈંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ. આંબેડકરની ઈંગ્લેન્ડની સફર પહેલાં તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. બીજા બે સંતાનો થયાં પરંતુ તે જીવી શક્યા નહીં. ઈ.સ.૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા.
આજ વખતે ડૉ. આંબેડકરને તેમના મહાનિબંધ ‘રૂપિયાનો પ્રશ્ન’ એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમને ભારત પાછા ફરવું પડ્યું. આમ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે અનેક મૂશ્કેલીઓ વેઠીને શિક્ષણની સર્વોત્તમ પદવીઓ પ્રાપ્ત કરી અને ભારતીય બંધારણના શિલ્પકાર બન્યા.

સંકલન : ડૉ. દિલીપકુમાર એ. મકવાણા
(એમ.એ., એમ.એડ., એમ.ફિલ., પીએચ.ડી.)

Previous articleરાષ્ટ્રવાદી નેતા ડો. ભીમરાવ આંબેડકર ની ૧૩૧ મી જ્ન્મ જયંતિ( પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleરાજ્યમાં ટાર્ગેટ કરતા ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું વધુ ટેક્સ કલેક્શન