કેન્દ્રીય કેબિનેટે રૂ. ૫,૯૧૧ કરોડના બજેટ સાથે ૨૦૨૫ થી ૨૬ સુધી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ચાલુ રાખવા માટેની મંજૂરી આપી દીધી
નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજનાની મુદત લંબાવી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. ૫,૯૧૧ કરોડના બજેટ સાથે ૨૦૨૫ થી ૨૬ સુધી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જેમાં ૩,૭૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર જ્યારે ૨,૨૧૧ કરોડ રૂપિયા રાજ્ય સરકારો ખર્ચ કરશે. કેબિનેટે આજે ૫,૯૧૧ કરોડ રૂપિયાના ખર્ચ સાથે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનને ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હવે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યું છે. આ યોજનામાં બજેટમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં, આ યોજના પર ૫,૯૧૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેમાંથી ૩,૭૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર દ્વારા જ્યારે ૨,૨૧૧ કરોડ રૂપિયા રાજ્યો દ્વારા ખર્ચવામાં આવશે. આ યોજના દ્વારા ૨.૭૮ લાખ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ટકાઉ વિકાસના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ કરવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ ૧.૩૬ કરોડ લોકોને તાલીમ આપવામાં આવી હતી. ભવિષ્યમાં આ અંતર્ગત ૧.૬૫ કરોડ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવશે. એક માહિતી અનુસાર, આ યોજના હેઠળ રાષ્ટ્રીય મહત્વના વિષયોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગામડાઓમાં ગરીબી મુક્ત અને વધેલી આજીવિકા, સ્વસ્થ ગામો, બાળ મૈત્રીપૂર્ણ ગામો, પાણી પર્યાપ્ત ગામો, સ્વચ્છ અને હરિયાળા ગામો, ગામમાં આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ, સામાજિક રીતે સુરક્ષિત ગામો, સુશાસન ધરાવતા ગામો પર ભાર મૂકવામાં આવશે. સરકાર માને છે કે પંચાયતોને મજબૂત કરવાથી સામાજિક ન્યાય અને સમુદાયના આર્થિક વિકાસની સાથે સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન મળશે. આ યોજના ગ્રામસભાઓને અસરકારક સંસ્થાઓ તરીકે કામ કરવા માટે મજબૂત બનાવશે.