મ્યુઝિયમ દેશની ધરોહર, આવનારી પેઢી સત્ય નિહાળશેઃ મોદી

52

દેશના તમામ સંગ્રાહલયનું મોદીએ ઉદ્‌ઘાટન કર્યું : દિલ્હીમાં આવેલા આ મ્યૂઝિયમમાં ૪૦થી વધારે ગેલેરી છે અને લગભગ ૪ હજાર લોકો એક સાથે ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે
નવી દિલ્હી, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બધા વડાપ્રધાનના જીવન અને યોગદાન પર આધારિત પ્રધાનમંત્રી સંગ્રહાલયનું આજે ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદી લગભગ ૧૧ઃ૦૦ વાગ્યે ત્રણ મૂર્તિ ભવનમાં નેહરુ સ્મારક અને સંગ્રહાલય પહોંચ્યા હતા જ્યાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ શિલાપટ્ટનું અનાવરણ કરીને મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઉદ્‌ઘાટન બાદ પહેલી ટિકિટ તેમણે ખરીદી અને પછી એક ઝલક જોવા માટે અંદર ગયા હતા. આ શુભ શરૂઆત સંવિધાન નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિના અવસર પર કરવામાં આવ્યો છે. આ અવસર પર પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશના યુવાઓ અને વાલીઓને પ્રધાનમંત્રી સંગ્રહાલય જોવા માટે દિલ્હી આવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, અહીં આવનાર લોકો દેશના પૂર્વ વડાપ્રધાનના યોગદાનથી રૂબરુ થશે. તેમનું જીવન અને તેમના સંઘર્ષ વિશે જાણવા મળશે. આ મ્યુઝિયમ દેશની ધરોહર છે અને આવનારી પેઢી તેમાંથી સત્ય જોશે.આપણા ઘણા વડા પ્રધાન સાધારણ પરિવારમાંથી આવ્યા હતા. ગરીબ પરિવાર, ખેડૂત પરિવારમાંથી આવીને વડાપ્રધાન બનવું એ દેશના યુવાનોને અને દેશને વિશ્વાસ અપાવે છે કે, સામાન્ય પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિ પણ ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. આ મ્યૂઝિયમમાં ૪૦થી વધારે ગેલેરી છે અને લગભગ ૪ હજાર લોકો એક સાથે ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મ્યૂઝિયમ ઝડપથી બદલાઈ રહેલા ભારતની તસવીર વિશ્વને બતાવશે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે, દિલ્હીમાં અમે બાબા સાહેબના મહાપરિનિર્વાણ સ્થળ, અલીપુર રોડ પર બાબા સાહેબ મેમોરિયલનું નિર્માણ કરાવ્યું છે. બાબા સાહેબના જે પાંચ તીર્થ વિકસિત કરવામાં આવ્યા છે તે સામાજિક ન્યાય અને અટૂટ રાષ્ટ્ર નિષ્ઠા માટે પ્રેરણાનું કેન્દ્ર છે. કેટલાક અપવાદોને બાદ કરતાં, લોકશાહી ઢબે લોકશાહીને મજબૂત કરવાની આપણી ગૌરવપૂર્ણ પરંપરા રહી છે. એટલા માટે આપણી પણ એ ફરજ છે કે, પોતાના પ્રયત્નોથી લોકશાહીને મજબૂત કરતા રહીએ. દેશ આજે જે ઊંચાઈ પર છે ત્યાં સુધી તેને પહોંચાડવામાં સ્વતંત્ર ભારત બાદ બનેલી પ્રત્યેક સરકારનું યોગદાન રહેલું છે. આજે આ મ્યુઝિયમ દરેક સરકારના સહિયારા વારસાનું જીવંત પ્રતિબિંબ પણ બની ગયું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચીનમાં ૨૪ કલાકમાં ૨૬ હજારથી વધુ કોરોના કેસ