શાંઘાઈમાં લોકો એક ટાઇમ જમવા મજબૂર : લોકડાઉનને કારણે શાંઘાઈમાં સ્થિતિ વણસી, કેટલાક ફૂટેજ જિયાંગસુ, ચાંગઝોઉ, શાંઘાઈમાંથી બહાર આવ્યા
નવી દિલ્હી,તા.૧૪
ચીનમાં કોરોના વાયરસની ત્રીજી લહેર કાબૂ બહાર થઈ રહી છે. કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન ભારતે શાંઘાઈમાં તેની કોન્સ્યુલર સેવાઓ બંધ કરી દીધી છે. ચીની પ્રશાસને બુધવારે કહ્યું કે ૧૨ એપ્રિલે કોરોનાના ૨૫,૧૪૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે લક્ષણોવાળા ૧,૧૮૯ કેસ મળી આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઝીરો કોવિડ પોલિસીનો બચાવ કરતા ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તાએ કહ્યું કે, ’આ પોલિસી એન્ટી એપિડેમિક પ્રોટોકોલ સાયન્સ અને એક્સપર્ટ ઓપિનિયન પર આધારિત છે.’ અહીં, લોકડાઉનને કારણે શાંઘાઈમાં સ્થિતિ વણસી રહી છે. કેટલાક ફૂટેજ જિયાંગસુ, ચાંગઝોઉ, શાંઘાઈમાંથી બહાર આવ્યા હતા. જ્યાં લોકોની ભીડ જરૂરી વસ્તુઓ માટે સુરક્ષા વ્યવસ્થા તોડતી જોવા મળે છે. આ ટોળાનો વીડિયો ટિ્વટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “ચીનના સૌથી મોટા અને સૌથી ધનિક શહેર શાંઘાઈમાં કોવિડ લોકડાઉન હેઠળ ભોજન માટે હુલ્લડ. કેટલાક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ સેન્ટર અને સુપરમાર્કેટની આસપાસ લૂંટ થઈ રહી છે. હોંગકોંગ પોસ્ટ અનુસાર, ત્યાંના લોકોનું કહેવું છે કે તેઓ દિવસમાં માત્ર એક જ વાર ખાય છે. શાંઘાઈમાં રોગચાળાની સ્થિતિ વણસી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે શહેર અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. જેનો અર્થ છે કે ત્યાંના રહેવાસીઓને તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે શાંઘાઈમાં લોકડાઉનને કારણે કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક થઈ શક્યો નથી. શાંઘાઈમાં કોન્સ્યુલેટ જનરલ વ્યક્તિગત રીતે કોન્સ્યુલર સેવાઓ પ્રદાન કરવાની સ્થિતિમાં નથી. યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે કોવિડ-૧૯ને કારણે ૭.૭ કરોડ લોકો ગરીબીમાં ગયા હતા. ઘણા વિકાસશીલ દેશો લોન પરના ઊંચા વ્યાજ દરોને કારણે રોગચાળાની અસરોમાંથી બહાર આવી શકતા નથી. આ સંખ્યા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની અસર પહેલાની છે. અહેવાલ મુજબ, સમૃદ્ધ દેશો ખૂબ ઓછા વ્યાજે લોન લઈને રોગચાળાને કારણે થયેલા ઘટાડામાંથી બહાર નીકળી શકે છે, પરંતુ ગરીબ દેશોએ તેમનું દેવું ચૂકવવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે અને ઊંચા વ્યાજ દરની લોનને કારણે તેઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને અસમાનતા ઘટાડવા માટે વધુ ખર્ચ કરી શક્યા નથી.