સીસીટીવી ફૂટેજ ઘાટી માર્ગ મુલ્લાન વાડી જામા મસ્જિદ પાછળ વોર્ડ નંબર ૧૩ના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
ભોપાલ, તા.૧૪
મધ્યપ્રદેશના ખરગોન ખાતે રામનવમીના દિવસે થયેલી હિંસાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તોફાની તત્વો પથ્થરમારો કરતા અને તલવાર વિંઝતા નજર આવી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજ ઘાટી માર્ગ મુલ્લાન વાડી જામા મસ્જિદની પાછળ આવેલા વોર્ડ નંબર ૧૩ના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકોએ પોતાનો ચહેરો ઢાંક્યો છે અને તેમના હાથોમાં તલવાર છે. કેટલાક લોકો પથ્થરમારો કરતા પણ નજર આવી રહ્યા છે.
મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના અવસર પર નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, શોભાયાત્રા મસ્જિદ નજીકથી પસાર થઈ ત્યારે જ પથ્થરમારો શરૂ થયો હતો. ત્યારબાદથી આ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રામનવમી અને તેના આગલા દિવસે ફેલાયેલી હિંસા મામલે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં ખરગોનના એસપી સિદ્ધાર્થ ચૌધરી પણ જખ્મી થયા હતા. તેમના પગમાં ગોળી વાગી છે. ચૌધરીએ જણાવ્યું કે, તેમને હિંસા અને આગની સૂચના મળતા જ તેઓ સંજય નગર વિસ્તારમાં પહોંચી ગયા હતા ત્યાં એક યુવક તલવાર લઈને તેમની પાછળ દોડ્યો હતો પરંતુ જ્યારે તેમણે તેનો પીછો કર્યો અને તેની તલવાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો તો તેમના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. તેમણે આગળ જણાવ્યું કે, જ્યારે તેમણે તે યુવકને બીજી વાર પકડવાનો પ્રયત્ન કર્યો તો તેમના સાથીએ તેમના ઉપર ગોળી ચલાવી દીધી હતી જેના કારણે તેમનો પગ જખ્મી થઈ ગયો હતો. જોકે, સર્જરીની જરૂર નથી પડી. હાલમાં તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે. હિંસામાં સામેલ આરોપીઓની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી રહી છે. જોકે, મુસ્લિમ ધર્મગુરુઓનું કહેવું છે કે, પોલીસ અને વહીવટી તંત્ર આ મામલે જાણી જોઈને માત્ર મુસ્લિમ સમુદાયના લોકોને જ ટાર્ગેટ કરી રહી છે.