ભાજપના નેતાઓને સદ્દબુદ્ધિ મળે તે માટે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ભગવાન સદ્દબુદ્ધિ આપે એવા હેતુસર સમુહ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. તેમજ દીવાલ પર લગાવેલા આ બંને હોદ્દેદારોના બેનરના ફોટામાં તેમનું નાક કાપી કાળી શાહી વડે ચોકડી કરી અનોખો વિરોધ કર્યો હતો.
તાજેતરમાં માધવપુર ઘેડ ખાતે યોજાયેલા મેળામાં ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રાસંગિક વક્તવ્યમાં ભાંગરો વાટ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણના બહેન તથા પત્ની સંદર્ભે તેમની ગેરસમજને પગલે મોટો વિવાદ સર્જાયો હતો. જેના પગલે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કાગારોળ મચાવવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં બુધવારે આપ દ્વારા શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાને શ્રીમદ્દ ભગવતગીતા સાથે બદામનું પાઉચ અર્પણ કરી આ બંને વસ્તુ સી આર પાટીલને મોકલાવવા જણાવ્યું હતું અને આ પ્રકારે નવતર વિરોધ કર્યો હતો. તેમાં આજે શુક્રવારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી તથા કોંગી કાર્યકરોએ નિલમબાગ સર્કલ ખાતે એકઠા થઇ પ્રદેશ ભાજપા પ્રમુખને ધર્મનું સાચું જ્ઞાન મળે અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાય એ હેતુસર સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતાં. તેમજ દિવાલ પર સી આર પાટીલ તથા જીતુ વાઘાણીના ફોટા પોસ્ટરમાં આ બંને હોદ્દેદારોના નાક કાપી કાળી શાહીથી ચોકડી કરી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ ભગવાધારીના તથા ધર્મના નામે પ્રજા પાસે મત માંગે છે અને એ જ પાર્ટીના નેતાઓ પાસે ધર્મની સાચી જાણકારી પણ નથી. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સરેઆમ નિવેદન કરે કે અહીંનું શિક્ષણ ન પોસાતું હોય તો બીજા રાજ્યમાં જતાં રહો. એક રાજ્ય દરજ્જાના મંત્રી આવું નિવેદન પ્રજાને સંબોધિત કરે એ કઈ હદે ઉચિત ગણાય? આથી આ બંને નેતાઓને ભગવાન સાચી સદ્દબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને આ કાર્યક્રમ યોજ્યો છે.