શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહીનાથી કોરોનાનો નવો એક પણ કેસ નહી આવતા રાહત
ભાવનગર શહેર અને જિલ્લા સહિત રાજ્ય ભરની સાથે દેશ અને દુનિયામાં તબાહી મચાવનાર કોરોના હવે નિયંત્રણમાં આવી ગયો હોય તેમ નવા કેસો નહીવત આવી રહ્યા છે અને ગુજરાતના મોટા ભાગના શહેરો કોરોના મુક્ત થઇ ગયા છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક માસથી કોરોનાનો નવો એક પણ કેસ નથી આવ્યો જે ભાવેણાના તબીબો, વહીવટી તંત્ર અને લોક જાગ્રૃતિને આભારી ગણી શકાય. ભારતમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં કોરોનાની એન્ટ્રી થઈ ત્યારબાદ ગુજરાતમાં અને ૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ ભાવનગરમાં કોરોનાનો પગ પેસારો થયો અને ત્યારબાદ શરૂ થયા લોકોની કઠણાઈના દિવસો. દિન પ્રતિદિન કોરોનામા કેસ વધતા ગયા તેને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા લોકડાઉન સહિત પગલા લેવામાં આવ્યા. કોરોનામા અપાયેલા લોકડાઉનના કારણે લાખો લોકોના વેપાર ધંધા પડી ભાગ્યા, લોકોની રોજીરોટી બંધ થઈ સરકાર દ્વારા લોકોને અનાજ વિતરણ સહિત બનતી મદદ કરાઇ. અનેક સેવાના સમિયાણા શરૂ થયા. વેન્ટિલેટર સાથેની અનેક કામચલાઉ અને કાયમી હોસ્પિટલો શરૂ થઈ. તબીબોએ તનતોડ મહેનત કરી. પરિણામે કોરોનાની વારાફરથી ત્રણ લહેરો પસાર થઇ જેમાં હજારો, લાખો લોકોએ જીવ ગુમાવ્યા. પરિવારો છુટા પડ્યા અને ભારે યાતનાઓ લોકોએ વેઠ્યા બાદ કોરોના કાબુમાં આવ્યો નવા કેસ આવતા બંધ થયા. અને જન જીવન થાળે પડ્યું. બે વર્ષ બાદ ફરી લોકો મુક્ત થયા છે.
બે વર્ષ બાદ લોકડાઉન વિનાનો રમજાન માસ
કોરોનાની ત્રણ લહેર દરમિયાન સમયાંતરે લોકડાઉન અપયા હતા.જેમાં છેલ્લા બે વર્ષથી રમજાન માસમાં લોકડાઉન આવ્યા હતા આ વખતે બે વર્ષ પછી લોકડાઉન વિનાનો રમજાન માસ આવતા મુસ્લિમ સમાજમાં ઉજવણીનો માહોલ બેવડાયો છે. અને પુરી આસ્થા અને જોશભેર દૂઆ, નમાઝ સાથે રમજાન માસની ઉજવણી કરી રહ્યા છે.
વેકેશનમાં પ્રવાસન સ્થળોએ જામશે લોકોની ભારે ભીડ
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ રહેલી, પરીક્ષા વિના વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરી દેવાયેલા લોકડાઉનની પરિસ્થિતિમાં વેકેશન જેવોજ માહોલ હોવા સાથે કોઈ બહાર નીકળી શકતા ન હોય પ્રવાસન સ્થળો સુમસામ બની રહ્યા હતા. અને પ્રવાસન ઉધોગ પણ ઠ્પ્પ થયો હતો પરંતુ ઈશ્વર કૃપાથી કોરોના થાળે પડ્યો, શાળા-કોલેજ શરૂ થઈ, પરીક્ષા લેવાઇ અને હવે વેકેશન પડશે ત્યારે બે વર્ષ બાદ ફરી લોકો વેકેશનમાં ફરવા જવાના પ્લાનિંગ કરી રહ્યાં છે. ત્યારે હવે પ્રવાસન સ્થળોએ પણ ભીડ જામશે. ટુસૅ,ટ્રાવેલ્સ ઓપરેટરોના ધંધાની સાથોસાથ મોટા ભાગના ધંધા ફરી જામશે અને તેના કારણે ધંધા રોજગારની પણ વિપુલ તકો ઉભી થશે.