તલગાજરડા ખાતે હનુમંત મહોત્સવમાં મોરારિબાપુના હસ્તે વિવિધ કલાવિદોને 40 એવોર્ડ એનાયત કરાયા

78

ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ છેલ્લા 45 વર્ષથી હનુમંત મહોત્સવનું આયોજન કરે છે
ચિત્રકુટધામ તલગાજરડા ખાતે મોરારિબાપુ દ્વારા હનુમંત મહોત્સવનું આયોજન છેલ્લાં 45 વર્ષથી કરવામાં આવી રહ્યુ છે. જોકે, છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે આયોજનને સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ હનુમંત મહત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્ર, વિધાઓના મર્મજ્ઞોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હનુમંત, નટરાજ, કૈલાસ લલિતકલા, અવિનાશ વ્યાસ, ભામતી, વાચસ્પતિ અને સદભાવના એવોર્ડ એક સાથે 40ની સંખ્યામાં અર્પણ કરવામાં આવ્યાં હતા.

આ એવોર્ડ સમારંભમાં ઉત્તર-દક્ષિણ ભારતના વિવિધ કલાકારો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં આ એવોર્ડ મેળવનારા હનુમંત એવોર્ડ સાશ્વતીસેન(કથક), નટરાજ એવોર્ડમાં રાકેશ બેદી(અભિનેતા), દિપીકા ચિખલિયા (અભેનેત્રી) સીતા, મનોજ જોશી (અભિનેતા), કૈલાશ લલિત કલામાં અતુલ ડોડિયા (ચિત્ર) અવિનાશ વ્યાસમાં વિભાગ દેસાઈ, ભામતી એવોર્ડમાં નીના ભાવનગરી, વાચસ્પતિ એવોર્ડમાં ગૌતમ પટેલ અને સદભાવના એવોર્ડમાં યજ્ઞ પ્રકાશન (સંસ્થા) તેમજ રમેશ સંધવી મુખ્ય વ્યક્તિઓ હતા. મોરારિબાપુએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે, સારેગમપદાનીસાને ધ્યાનમાં રાખીને તેમની વ્યાખ્યા કરીએ તો લગભગ તમામ મુદ્દાઓમાં હનુમાનજી નિપુણ જણાયાં છે. હનુમાનજી મહારાજ ધર્મરથ તો છે જ પણ સંગીતાચાર્ય, વ્યાકરાણાચાર્ય, કાવ્ય કલાના ભાવક અને નાટ્ય નિપુણ છે. જ્ઞાનના ગુણસાગર છે આપ સૌની આ જ્ઞાન ભાવવંદના કરવાનો રાજીપો છે. તેથી આવા મંગલ અવસરે આપણે વિવિધ વિધાઓને સન્માનીને આવો રુડો મહોત્સવ ઉજવીએ છીએ. બાપુએ વધુમાં ઉમેર્યું કે, કેટલાક પ્રદેશો, દક્ષિણ ભારતમાં અને બનારસ વગેરેના વિદ્વાનો હનુમાન જયંતિ માટે એક બીજો મત પણ ધરાવે છે અને તેમાં તેઓ હનુમાનજીના પ્રાગટ્ય દિવસ આસો વદ ચૌદશને બતાવે છે. પરંતુ પવનતો સર્વ વ્યાપક, દ્યોતક છે તેથી બધાં દિવસને તેના પ્રાગટ્ય દિન તરીકે મનાવી શકીએ. આ કાર્યક્રમ દરમ્યાન આવો સુંદર અવસર પ્રદાન થતાં ઘણાં કલાકારો ભાવુક થઈ ગયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીન્દ્ર જોશીએ કર્યું હતું. મોરારીબાપુ અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે એવોર્ડ રાશી અપાવતાં હોય છે. આજે વિશિષ્ટ દેશ- દેશાવરના મહેમાનો, યજમાનઓના વરદ હસ્તે આ એવોર્ડ રાશિ અર્પણ થઈ હતી, પંરતુ સભામાં ઉપસ્થિત એક વૃદ્ધ ગ્રામજનને બાપુએ જ્યારે મંચ પર બોલાવ્યાં ત્યારે તે દાદા ખુબ ભાવુક થઈ ગયાં હતાં. લેખન, પ્રસાર પ્રચાર સાથે જોડાયેલાં જીતુ જોશીને જ્યારે બાપુએ મંચ પર બોલાવ્યાં ત્યારે તાળીઓનો ગુંજારવ સંભળાયો હતો. આ કાર્યક્રમમાં આગેવાનો ભાઈઓ-બેહનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની પ્રબળ વકી
Next articleભાવનગરના અલગ અલગ બે વિસ્તારમાં આગની ઘટના, પ્લાસ્ટિકનો જથ્થો તથા કરીયાણાની દુકાનનો સામાન બળીને ખાખ