સાળંગપુરમાં આજે દાદાના જન્મોત્સવને વધાવવા ભાવિકો ઉમટી પડ્યા હતા. હૈયે હૈયું દળાય તેવી ભીડ ભાવિકોનો મહાસાગર દર્શાવતી હતી. સવારથી જ શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ વ્હેતો રહ્યો હતો. બપોરે તડકામાં પણ ભક્તો આવતા જ રહ્યા હતા. હનુમાન જયંતીની ઉજવણીનો પ્રારંભ ગઈકાલથી જ થઈ ગયો હતો. શુક્રવારે સાંજે હાથીની અંબાડી પર ભવ્ય અને રંગદર્શી શોભાયાત્રા નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી ભવ્યરીતે વાજતે-ગાજતે કાઢવામાં આવેલ, જેમાં હાથીની સવારી ઉપર પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન, હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરેલ, ૨૫૧ ભક્તો સાફા ધારણ કરી દાદાને રાજી કરેલ, ૧૦૮ બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવી શોભાયાત્રાને મહેકાવી,આફ્રિકન સિદ્દી ડાન્સે ભક્તોમાં જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં નાશિક ઢોલ, ડ્ઢત્ન અને બેન્ડવાજાવાળાઓએ પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં, આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવ્યુ હતું. આ દરમિયાન સંતો દ્વારા ૨૫૧ કિલો ફૂલ અને ૨૫ હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરવામાં આવેલ.સમગ્ર મંદિર પરિસરમાં રોશનીથી સજાવવામાં આવેલ.