કારમાં આવેલ લૂંટારૂઓએ કાર બાઈક સાથે અથડાવી રોકડ અને મુદ્દામાલ ભરેલો થેલો ઉઠાવી ફરાર : બોટાદ પોલીસે કરી નાકાબંધી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા (જં) ગામે વહેલી સવારે એક આંગડિયા પેઢી માથી હિરા રોકડ તથા સોનાના દાગીના સાથે ગારીયાધાર ડીલીવરી આપવા નિકળેલ આંગડિયા પેઢીના કર્મચારી ના બાઈક સાથે લૂંટારૂઓએ કાર અથડાવી ગંભીર ઈજા પહોંચાડી ગણતરીની પળો માં ચાર લૂંટારૂઓ ઘટનાને અંજામ આપી નાસી છુટ્યા હતાં. સમગ્ર બનાવ-આ દિલધડક લૂંટ અંગે ઢસા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ભાવનગર રોડ પર આર.મહેન્દ્રકુમાર નામે આંગડિયા પેઢી આવેલી છે આ આંગડિયા પેઢીમાં ડીલીવરી મેન તરીકે કામ કરતો હર્ષદ ઉમેશભાઈ રાજપૂત નામનો કર્મચારી રફ હિરાના પેકેટ નંગ-૪૫ કિંમત રૂ.૧૧,૦,૭૦૦૦/- રોકડા રૂપિયા ૧૬,૭૯,૩૮૫/-તથા સોનાના દાગીના ભરેલું પાર્સલ નંગ-૧ કિંમત રૂ ૨૪,૭૯૦/- મળી કુલ રૂ,૨૮,૧૧,૧૭૫/-નો મુદ્દામાલ ભરેલ થેલો લઈને વહેલી સવારે બાઈક નંબર જી-જે-૦૪-ડીએચ-૭૫૨૩ લઈને આ તમામ પાર્સલોની ડીલીવરી આપવા ઢસા બ્રાન્ચથી ગારીયાધાર જવા રવાના થયો હતો દરમ્યાન ઢસા ગામ પાસે જગદીશ્ર્વર ધામ નજીક એક હોન્ડા સિટી કારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોએ કાર આંગડિયા પેઢીના કર્મચારીની બાઈક સાથે અથડાવતા બાઈક ચાલક રોડપર ફસડાઈ પડ્યો હતો આથી કારમાં આવેલ લૂંટારૂઓ એ ગણતરી ની મિનિટમાં આંગડિયા કર્મીના કબ્જામાં રહેલ મુદ્દામાલ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં આ બનાવની જાણ રાહદારીઓએ પેઢીનાં સંચાલક પ્રવિણ કેશુ પાંચાણી ને કરતાં તે સ્થળપર દોડી આવ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચેલ કર્મી હર્ષદને સારવાર અર્થે બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે ઢસા પોલીસને જાણ કરતાં પીઆઇ સહિતનો કાફલો સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આટલી મોટી લૂંટની ઘટનાને પગલે જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.