“શ્રધ્ધા અને વિશ્વાસ”

70

માનવ જીવનમાં ભક્તિમાં વિશ્વાસનું હોવું ખુબ જ જરૂરી છે.વિશ્વાસ જ માણસને જીવિત રાખે છે જ્યારે “માં” પોતાના બાળકને તેના પિતા તરફ આંગળી ચીંધીને કહે છે કે આ તારા પિતા છે ત્યારે તે બાળક”માં” ના વચન ઉપર ભરોસો રાખી પિતા ઉપર વિશ્વાસ મેળવી લે છે અને તેને પિતાનો પ્રેમ સહારો અને છત્રછાયા મળે છે, તેવી જ રીતે ગુરૂભક્ત પણ પોતાના જીવનમાં સમયના સદગુરૂ દ્વારા પ્રાપ્ત થયેલ નિરાકાર પ્રભુ પરમાત્માના જ્ઞાન ઉપર વિશ્વાસ રાખીને પ્રભુને જ સર્વોપરી માની તેનો સહારો લે છે તો આવા સંતને જીવનભર નિરાકાર પ્રભુનો સહારો મળી રહે છે.નિરાકાર પ્રભુ અને સાકાર સદગુરૂ ઉપરનો વિશ્વાસ જ ભક્તને ભક્તિની શકિત પ્રદાન કરી જીવન નિશ્ચિત બનાવે છે.જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છતાં પ્રભુ ઉપરનો વિશ્વાસ ગુમાવવો નહિ.”ગુરૂ કહે દિવસ તો દિવસ અને ગુરૂ કહે રાત તો રાત.. આવા ભક્તનો સદગુરૂ પહેરેદાર બને છે.વિશ્વાસમાં ક્યારેય કિંતુ પરંતુ નથી કરવાનું.. સદગુરૂ પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો રાખવાનો છે.એક જ સ્થળ પર સાથે રહેતા બે માણસોમાંથી એકને પૂછવામાં આવે કે પૂર્ણ સદગુરૂ સોયના કાણામાંથી હાથી પસાર કરી શકે છે ત્યારે જે અવિશ્વાસી હોય છે તે કહે છે કે એ કેવી રીતે બની શકે? સદગુરૂ પરમાત્માનો ખેલ નિરાલો હોય છે તેની ખબર તેમને હોતી નથી, તેમને વિશ્વાસ હોતો નથી,જ્યારે બીજાને પુછવામાં આવે કે સદગુરૂ સોયના કાણામાંથી હાથી પસાર કરી શકે છે તો જે સદગુરૂ પરમાત્મા ઉપર વિશ્વાસી ગુરૂભક્ત હોય છે તે કહે છે કે હા..સદગુરૂ પરમાત્મા બધું જ કરી શકવા સમર્થ હોય છે,તે ત્રિલોકનો નાથ છે,આખી સૃષ્ટિના રચનહાર છે તે ગમે તે અશક્ય કામ કરી શકે છે.આ વિશ્વાસી ભક્તની નિશાની હોય છે.
પવિત્ર અવતારવાણીમાં લખ્યું છે કે.. જેમ આ જીવન જીવવા માટે તનમાં પ્રાણ જરૂરી છે તેમ પ્રેમાભક્તિ માટે ગુરૂ ઉપર વિશ્વાસ જરૂરી છે.ભક્ત પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપુએ લોખંડના સ્તંભને અગ્નિથી તપાવ્યો અને પુછ્યું કે તારો પ્રભુ આ થાંભલામાં છે? ત્યારે એક ક્ષણ માટે તો પ્રહ્લાદ ડરી ગયો, ત્યારે તેનો ડર દૂર કરવા પ્રભુએ ધગધગતા લોખંડના સ્તંભ ઉપર કીડીઓની હાર બતાવી ત્યારે પ્રહ્લાદે વિચાર્યું કે જે કીડીને ન મરવા દે તે મને મરવા નહી દે.આવા પ્રભુ પરમાત્મા ઉપરના વિશ્વાસના લીધે પ્રભુ પરમાત્મા લોખંડના સ્તંભમાંથી પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુનો અંત કર્યો.મીરાબાઈ દ્રઢ વિશ્વાસથી રાણાએ મોકલેલ ઝેરનો પ્યાલો પી ગયા તો પ્રભુએ તેનું અમૃત બનાવી તેમને બચાવી લીધા.આમ ભક્તો ઉપર અનેક કષ્ટો આવ્યા પણ તેમના વિશ્વાસના કારણે તેમનું મન ડગ્યું નહી.દુર્યોધને દ્રોપદીની કૌરવસભામાં લાજ લેવાનો નિરર્થક પ્રયાસ કર્યો ત્યારે સભામાં ઉપસ્થિત પોતાના પાંચ પતિ,ભિષ્મ પિતામહ,દ્રોણાચાર્ય..વગેરે અનેક મહાનુભાવોને મદદ માટે પોકાર કર્યો પરંતુ કોઇ તેની મદદ કરવા આગળ ના આવ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઉપર વિશ્વાસ રાખી પોકાર કર્યો તો પ્રભુએ અંતરીક્ષમાં આવીને ૯૯૯ સાડી પુરી દ્રોપદીની લાજ બચાવી.
ભક્ત શબરીના જીવનમાંથી આપણે બે વાતો શિખવાની છેઃ વિશ્વાસ અને પ્રતિક્ષા.પરમધામમાં જતા પહેલાં પોતાના ગુરૂ મતંગઋષિએ માતા શબરીને કહ્યું કે શબરી બેટા..એક દિવસ તારી ઝુંપડીએ રામ આવશે.પોતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી શબરી યુવાનીમાંથી વૃદ્ધ થઇ પણ તેની શ્રદ્ધા વૃદ્ધ ના થઇ.પોતાના ગુરૂને સામે પ્રશ્ન પણ ના પુછ્યો કે ભગવાન શ્રીરામ ક્યારે આવશે? તેને પોતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી પ્રતિક્ષા કરી તો રામવનવાસ દરમ્યાન અનેક ઋષિમુનિઓને દર્શન આપી,કૃતાર્થ કરી માતા શબરીની ઝુંપડી પધારી તેમને નવધા ભક્તિનું દાન આપી પરમપદ આપ્યું.
સદગુરૂ બાબા હરદેવસિંહ મહારાજ નિરંકારી બાબાના સમયની એક સત્ય ઘટના છે.એક વૃદ્ધ માતાએ મનથી સંકલ્પ કર્યો કે એક દિવસ મારા સદગુરૂ મારા ઘેર પધારી મારા હાથે ગોળ આરોગશે આવા સંકલ્પથી આ વૃદ્ધ માતાજીએ ગોળની નાનકડી પોટલી બાંધી પોતાના ઘરમાં મુકી રાખી હતી.એકવાર ગુરૂદેવ તેમના સાથી સંતો સાથે સત્સંગના પ્રવાસમાં જઇ રહ્યા હતા ત્યારે આ માતાજીનું નિવાસસ્થાન રસ્તામાં જ આવતું હતું.બાબાજીએ ગાડીઓનો કાફલો રોકાવી આ વૃદ્ધ માતાજીના ઘેર જઇ તેમના હાથે ગોળનો પ્રસાદ આરોગ્યો હતો.સદગુરૂ પરમાત્મા અંતર્યામી હોય છે.જો અમારા દિલમાં પૂર્ણ વિશ્વાસ હોય તો સદગુરૂ પરમાત્મા અમારા મનના સંકલ્પને પણ સાંભળે છે.
અવતારવાણીમાં કહ્યું છે કે.. વિના દેખે મન ના માને મન માન્યા વિના પ્રેમ નહી,પ્રેમ વિના ના ભક્તિ થાયે ભક્તિ વિના ઉધ્ધાર નહી.ગુરૂ દેખાડે ગુરૂ મનાવે ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,ગુરૂ વિનાની ભક્તિ નકામી જીવન વ્યર્થ ગુમાવે છે.સદગુરૂના ચરણોમાં આવી ઇશ્વરની ઓળખાણ કરો,”અવતાર” ગુરૂની કૃપાળુ દ્રષ્?ટ્રિ જીવનનું કલ્યાણ કરે.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની શરણમાં જઇ એક પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કર્યા વિના ઇશ્વરને યાદ કરવા આકાશને અડવા સમાન અસંભવ છે.જ્યાંસુધી ૫રમાત્માના દર્શન ના થાય ત્યાંસુધી મનમાં વિશ્વાસ આવતો નથી તથા પ્રભુ સાથે પ્રેમ સંભવ થતો નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી.સદગુરૂ જ પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવી વિશ્વાસ પૈદા કરે છે,આમ ગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે કરે છે તેને પાછળથી પસ્તાવું ૫ડે છે.સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુ પરમાત્માની ઓળખાણ કરી લે છે તેનું ૫લભરમાં કલ્યાણ થઇ જાય છે,તેનો ઉદ્ધાર થાય છે.
ગુરૂ અને ગોવિંદ બંન્ને સાથે ઉભા હોય તો પ્રથમ નમન ગુરૂદેવને થાય છે કારણ કે તેમની કૃપાથી જ અવિનાશી નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માના દર્શન થાય છે એટલે સદગુરૂની મહત્તા પ્રભુ પરમાત્માની વિશેષ હોય છે.પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે અમારી ભક્તિમાં પણ પ્રાચિન સંતો જેવો વિશ્વાસ આવે.
હેમલતાબેન સોનેરા
ઓઢવ,અમદાવાદ

Previous articleહનુમાનઃ યુવાનોનું આદર્શ ચરિત્ર
Next articleગાયત્રીનગરના પાર્શ્વનાથ જીનાલયમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી