પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અંગે મંત્રીની સ્પષ્ટતા : કેન્દ્ર સરકાર તાજેતરમાં જ પેટ્રોલ અને ડિઝલ પર અનુક્રમે પાંચ રૂપિયા અને દસ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી ચુકી છે
નવી દિલ્હી,તા.૧૬
પેટ્રોલ ડિઝલના વધી ગયેલા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટપણે કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર ભાવ ઓછા કરવા માટે હવે કોઈ કાર્યવાહી કરવાની નથી. તેમણે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર તાજેતરમાં જ પેટ્રોલ અને ડિઝલ પર અનુક્રમે પાંચ રૂપિયા અને દસ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી ચુકી છે. હવે રાજ્ય સરકારોનો વારો છે. તેમણે પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ ઓછો કરવો જોઈએ. પુરીએ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, છત્તીસગઢમાં ૨૪ ટકા વેટ છે અને તેને ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવશે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે. વેટ ઘટાડવાથી રાજ્ય સરકારની આવકને નુકસાન નહીં થાય. કારણકે આર્થિક ગતિવિધિઓ વધી હોવાથી માંગ વધી છે અને આ સંજોગોમાં સરકારને તાત્કાલિક આવકમાં ફટકો પડવાનો નથી. ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઓછો છે પણ બીજા રાજ્યોમાં વેટ વધારે છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવમાં અગિયાર દિવસથી કોઈ વધારો થયો નથી પણ પેટ્રોલનો ભાવ સરેરાશ ૧૦૫ રૂપિયા પ્રતિ લિટર તો થઈ જ ચુકેલો છે.