રાજ્ય સરકાર વિવિધ મેળાઓ યોજીને છેવાડાના માનવી સુધી સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે :ધારાસભ્ય વિભાવરીબેન દવે
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિવિધ મેળાઓ યોજીને છેવાડાના માનવી સુધી પહોંચી સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે યોજાયેલાં અસંગઠિત શ્રમિક સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો એ વાસ્તવમાં મહેનતકશ વર્ગ છે. આ વર્ગની મહેનત અને પરસેવાના કારણે જ આપણે સુખ,શાંતિ અને સગવડનો અનુભવ કરી શકીએ છીએ.
આપણે જેને કડિયા, કુંભાર, દરજી, પ્લમ્બર વગેરે જેવાં લોકો જેને આપણે કારીગર વર્ગ તરીકે ઓળખીએ છીએ તેવાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત લોકોની ઈ-શ્રમ પર વધુ ને વધુ નોંધણી થાય તે જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.આ કારીગર વર્ગની વધુ ને વધુ નોંધણી કરાવીએ જેથી કરીને સરકાર દ્વારા મળવાપાત્ર લાભ સમાજના તમામ લોકો સુધી પહોંચે અને તેઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આ યોજનાઓ તેમના જીવનમાં ઉજાસ પાથરવા માટે ઉપયોગી બને તે માટે પણ તેઓની વધુને વધુ નોંધણી થાય તે જરૂરી છે.
ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ’સમાજ અને ન્યાય’ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મારી રૂબરૂ મુલાકાત દરમિયાન જોયું છે કે, આરોગ્ય માટે જરૂરિયાતમંદ લોકોને નામાંકિત ડોક્ટરની સેવા પણ પૂરી પાડવામાં આવે છે. જે લોકો પાસે ઘરનું ઘર નથી. તે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા ઘરની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
સૌની યોજના દ્વારા ભાવનગરનું બોર તળાવ ભરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના દ્વારા દરેક ઘર સુધી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, કોરોનાના મુશ્કેલ કાળમાં લોકોને અન્ન પૂરું પાડ્યું હતું અને વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આ યોજના હેઠળ હજુ પણ દર મહિને અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગ એવાં અસંગઠિત ક્ષેત્રના લોકોનો પેટનો ખાડો પુરવા માટે પ્રધાનમંત્રી અન્ન યોજના ઉપકારક પુરવાર થઇ છે.
આ રીતે સરકાર વિવિધ યોજનાઓના માધ્યમ દ્વારા આપના સુધી પહોંચીને તેનો લાભ આવાં મેળાઓ અને સંમેલનો દ્વારા પુરો પાડી રહી છે, ત્યારે તેનો વધુમાં વધુ લોકો તેનો લાભ લે. જે લોકોએ લાભ લીધો છે તેઓ અન્ય લોકોને પણ નોંધણી કરાવવા માટે પ્રેરિત કરે તેવી હાકલ પણ તેમણે આ તકે કરી હતી.
કલેકટર યોગેશ નિરગુડેએ એ જણાવ્યું કે, સમાજમાં કાર્યરત કારીગરોમાંથી ૮૦ થી ૮૪ ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યારે આવાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત રહેલાં લોકોના જીવનમાં કેવી રીતે ખુશીઓ અને આનંદ લાવી શકાય તે માટે આવા સંમેલનો અને મેળા ઉપયુક્ત બન્યાં છે.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિક તરીકેની નોંધણી બાદ આવાં લોકોને કોઈ અકસ્માત કે એવાં કોઈપણ પ્રકારનું જીવનનું જોખમ સર્જાય તો સારવાર અને આર્થિક લાભની સહાય પણ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આપણી આસપાસ રહેલા અસંગઠિત ક્ષેત્રના લોકોને ઉપલબ્ધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાની જરૂરિયાત પણ તેમણે આ તકે વર્ણવી હતી.આ પ્રસંગે વિવિધ સહાય અંતર્ગત લાભાર્થીઓને સહાયના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયાં હતાં.આ અવસરે સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ સંમેલનમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા, મદદનીશ શ્રમ આયુક્ત એન.ડી.પાઠક સહિતના પદાધિકારી ઓ-અધિકારી ઓ તથા મોટી સંખ્યામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતાં.