બોટાદ પોલીસને મળી મોટી સફળતા, ઢસા ગામે થયેલ આંગડિયા લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

102

ઢસા ગામનો રીક્ષા ચાલક સહિત કડી-કલોલ ના નવ લૂંટારૂઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા (જં) ગામે ગત શનિવારે વહેલી સવારે આર મહેન્દ્ર કુમાર નામની આંગડિયા પેઢીનો કર્મચારી પાર્સલોની ડિલિવરી આપવા બાઈક લઈને ગારીયાધાર જઈ રહ્યો હતો તે વેળાએ કારમાં આવેલ લૂંટારૂઓ એ કાર બાઈક સાથે અથડાવી 28 લાખના મુદ્દામાલની દિલધડક લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં આ પ્રકરણે ઢસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ આધારે બોટાદ એલસીબી એસઓજી તથા ઢસા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં ઢસા ગામનો એક મળી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આઠ કુખ્યાત આરોપીઓ મળી કુલ નવ અપરાધીઓને ઝડપી લીધા છે. સમગ્ર બનાવ અંગે ઢસા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઢસા ગામે આવેલ આર મહેન્દ્રકુમાર નામની આંગડિયા પેઢીનો કર્મચારી હર્ષદ ઉમેશ રાજપૂત પેઢી માથી હિરા રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ.28 લાખનો મુદ્દામાલ લઈને ગારીયાધાર ડિલિવરી આપવા બાઈક લઈને રવાના થયો હતો આ કર્મી ઢસા ગામ થી બહાર નિકળે એ પૂર્વે એક કારમાં આવેલ શખ્સોએ કાર બાઈક સાથે અથડાવી આંગડિયા કર્મી ને ઈજા પહોંચાડી ગણતરીની મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છુટ્યા હતાં જે અંગે પેઢી મેનેજરે ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ આધારે બોટાદ એલસીબી એસઓજી તથા ઢસા પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા કમ્મર કસી વિવિધ ટેકનિકલ સોર્સીંસ સાથે બાતમીદારો અને ભૂતકાળમાં થયેલ આવાં ગુનાઓની મોડેસ ઓપરેન્ડીઓનો ગંભીરતાથી અભ્યાસ કરી પ્રથમ ઢસા ગામે શંકરપરા સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે રીક્ષા ચાલક મહોબ્બત ભીખા રાઠોડ ઉ.વ.50 ને અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા આ શખ્સે આંગડિયા પેઢીના કર્મીની રેકી કરી લૂંટ ની ટીપ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કંજરી ગામનાં ટ્રક ચાલક સલીમ જીવા સિપાઈ ને ઢસા ગામે રૂબરૂમાં આપી હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ આધારે લૂંટની ઘટનાને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલી કાર નં-જી-જે-01-કેબી-3011 ને શોધી કાઢી હતી અને તેના માલિક સરફરાઝ ઉર્ફે ટોપેટોપ ફૂતુમિયા પઠાણ ઉ.વ.42 રે.કડી વાળાને પણ રાઉન્ડ અપ કરી સઘન પુછપરછ હાથ ધરતા તેમણે પોતાના સાગરીતો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી અને લૂંટ બાદ આ કાર બોટાદ જિલ્લામાં થી પસાર થઈ હોય તથા ગઢાળી ગામ પાસેથી લૂંટમાં ગયેલ હિરાના બે પાર્સલ પણ રોડપરથી પોલીસને હાથ લાગ્યાં હતાં આથી લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધ્ધાર ટોપેટોપ બાદ અન્ય આરોપીઓને પણ પોલીસે સકંજામાં લીધા હતા જેમાં આ લૂંટમાં સંડોવાયેલ તમામ આરોપી ના નામ આ મુજબ છે મહોબ્બત ભીખા રાઠોડ ઉ.વ.50 રે.ઢસા, સલીમ જીવા સિપાઈ ઉ.વ.38 રે.કંજરી તા.કડી,અરવિંદ ઉર્ફે ગડો દેવજી ઠાકોર ઉ.વ.26 રે.અગોલ ગામ તા. કડી,આમીન ઉર્ફે હારૂન ઈબ્રાહિમ સૈયદ ઉ.વ. 35,રે.ભટાસણા ગામ તા.કડી,ભરત કાનજી ઠાકોર ઉ.વ.28 રે.નોંઘણજ તા.કડી,સોહિલ મુસ્તાક શેખ ઉ.વ.30 રે.કડી,શાહરૂખ ઉર્ફે લાલો મહંમદ મલેક ઉ.વ.27 રે.કડી,ઝાકિર ઉર્ફે સુલતાન ખલીફા ઉ.વ.42,રે.કડી અને સરફરાઝ ઉર્ફે ટોપેટોપ ફૂતુમિયા પઠાણ ઉ.વ 42 રે.કડી વાળાઓની 31 નંગ હીરાનાં પાર્સલ 9,38,000 રૂપિયા રોકડા આરોપી ઓના મોબાઈલ નંગ 5 કિંમત રૂ,12,000 તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર કિંમત રૂ.1,00,000 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપી ને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે આમ બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે પ્લેસમેન્ટ માટે એમ.ઓ.યુ. કરાયા
Next articleધર્મ અને પારિવારિક રીત-રિવાજોના સંસ્કારનો વારસો શાળા પરિસરથી હટાવી વાલીઓને સોંપીએઃ ડૉ નાસીરા શર્મા