“શિક્ષણની સંભાવના અનેક” આ વાક્યને ચરિતાર્થ કરતા મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી નાના બાળકોને શૈક્ષણિક રમકડાં દ્વારા બાળ માનસ આધારિત પધ્ધતિથી શિક્ષણ આપી રહ્યા છે. તેમાં ધોરણ ૧-૨ નાના બાળકોને નવા નવા ઉત્તમ પ્રયોગો હાથ ધરી બાળકોનું શિક્ષણ સરળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તે અનુસંધાને નળ ફીટીંગ ની પીવીસી પાઈપ ના જુદા જુદા અનિયમિત આકારો બનાવી બાળકોને આનંદદાયી શિક્ષણ આપી રહ્યા છે. બાળકો પીવીસી પાઇપના ટુકડામાંથી જુદા જુદા અનિયમિત આકારો જાતે બનાવી રહ્યા છે. રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી આ નવતર પ્રયોગ થી બાળમાનસ આધારિત શિક્ષણ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શિક્ષક દંપતીએ કોરોના સમયમાં વર્ક ફ્રોમ હોમ ના સમયગાળામાં ૨૦૦૦ જેટલા શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું તેમાંથી રમેશભાઈ બારડની “મલ્ટીપર્પજ એજ્યુકેશનલ કાર્ટ” રમકડા કૃતિએ નેશનલ કક્ષાના રમકડાં મેળામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.