કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં એક સમાન તિથિ, વાર અને તહેવાર ઉજવવા માટે રાષ્ટ્રીય કેલેન્ડર બનાવાશે
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નેશનલ કેલેન્ડર પ્રોજેક્ટ માટે ભાવનગરના જ્યોતિષી કિશન ગિરિશભાઈ જોષી (શ્રીધર પંચાંગવાળા)ની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં એક સમાન તિથિ, વાર,અને તહેવાર નિયત કરી ઉજવવા માટે એક ’’ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર’’ બનાવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના મહત્વના પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે. વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈન, મધ્યપ્રદેશ ખાતે યોજાનાર ’ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર’ પર, વૈશાખ ૦૨ અને ૦૩, ૧૯૪૪ (એપ્રિલ ૨૨ અને ૨૩, ૨૦૨૨) ના રોજ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ૩૦૦ વિદ્વાન જ્યોતિષીઓ, પંચાંગ કર્તા, અને ખગોળ વિજ્ઞાનના વિદ્વાન લોકો મળી આ ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર બનાવવામાં ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાના આ સદકાર્ય માટે પસંદગી પામેલ દેશના ૩૦૦ વિદ્વાનોમાં ભાવનગરના જાણીતા તથા ચાર પેઢીથી ભાવનગરના લોકોની સેવામાં કાર્યરત શ્રીધર પંચાંગ વાળા કિશનભાઈ ગિરીશભાઈ જોષીને આ ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડરના ભાગ રૂપે આમંત્રિત કર્યા છે,જે ભાવનગર માટે ગૌરવ પ્રદ છે.