જીએસટીનો પાંચ ટકાનો સ્લેબ રદ કરી ૩-૮ ટકાના સ્લેબની શક્યતા

49

દેશના મોટાભાગના રાજ્યો વળતરની ભરપાઈ અંગે કેન્દ્ર સરકાર ઉપર નિર્ભરતા દૂર કરવા માટે આવક વધારવા મુદ્દે આ વિકલ્પ માટે સંમત થયા
નવી દિલ્હી,તા.૧૮
જીએસટી (ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ) કાઉન્સિલની બેઠક આવતા મહિને યોજાવાની છે. આ બેઠકમાં કાઉન્સિલ પાંચ ટકા ટેક્સ સ્લેબને રદ્દ કરી શકે છે.
આ સ્લેબને રદ્દ કરીને જીએસટી કાઉન્સિલ તેને ત્રણ અને આઠ ટકાના સ્લેબમાં વિભાજિત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. અહેવાલ અનુસાર દેશના મોટાભાગના રાજ્યો વળતરની ભરપાઈ માટે માટે કેન્દ્ર પર નિર્ભરતા દૂર કરવા માટે આવક વધારવા મુદ્દે આ વિકલ્પ માટે સંમત થયા છે. પ્રસ્તાવ અનુસાર મોટા પાયે વપરાશની કેટલીક વસ્તુઓને ત્રણ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે અને બાકીની વસ્તુઓ પર આઠ ટકાના સ્લેબમાં ટેક્સ લાગશે. હાલમાં જીએસટીમાં કુલ ચાર ટેક્સ સ્લેબ ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા છે. આ ઉપરાંત સોના અને સોનાના ઘરેણા પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલની આવક વધારવા માટે કેટલીક બિન-ખાદ્ય ચીજો જેના પર ટેક્સ નથી વસૂલાતો તેને ૩ ટકાના સ્લેબમાં લાવીને આવક વધારવા પર ફોક્સ કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાના સ્લેબને સાત કે આઠ કે નવ ટકા કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ મામલે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે જેમાં કેન્દ્રીય નાણા પ્રધાન અને રાજ્યોના નાણાં પ્રધાનો હોય છે. જો પાંચ ટકાના સ્લેબમાં એક ટકાનો વધારો થશે તો તેના પરિણામે વાર્ષિક વધારાની રૂ. ૫૦,૦૦૦ કરોડની આવક થશે. આ સ્લેબમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. જીએસટી હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સનો દર સૌથી નીચો રાખવામાં આવે છે અથવા તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે સૌથી વધુ ટેક્સ ૨૮ ટકા લક્ઝરી વસ્તુઓ પર વસૂલવામાં આવે છે અને આ રકમ જીએસટીના અમલીકરણને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્યોને આપવામાં આવે છે. ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ જીએસટી અમલીકરણ સમયે કેન્દ્રએ રાજ્યોને જૂન, ૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે વળતર આપવા અને ૨૦૧૫-૧૬ના આધાર વર્ષની આવક કરતાં વાર્ષિક ૧૪ ટકાના દરે તેમની આવકની સિક્યોરિટી આપવા સંમતિ આપી હતી.
કાઉન્સિલે ગયા વર્ષે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નેજા હેઠળ રાજ્યના મંત્રીઓ માટે એક સમિતિની રચના કરી હતી જે ટેક્સના દરોને તર્કસંગત બનાવીને અને કર માળખામાં રહેલી વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવશે. સમિતિ આગામી મહિનાની શરૂઆતમાં તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. આ પછી તેને અંતિમ નિર્ણય માટે કાઉન્સિલની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠક મેના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે.

Previous articleલેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બન્યા નવા આર્મી ચીફ
Next articleસિહોર ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધર્મ સંદેશ સભાનું આયોજન કરવામાં આવ્યું.