અલગ અલગ મીટરની સ્પર્ધામાં એક ગોલ્ડ, બે સિલ્વર તથા બે બ્રોન્ઝ મળી કુલ 5 મેડલ અંકે કર્યાં
રાજસ્થાનના જોધપુર ખાતે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થીનીએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પાંચ મેડલ જીત્યા હતા. વિદ્યાર્થિની હેતવિએ 50 મીટર, 100 મીટર, 200 મીટર અને 400 મીટરમાં મેડલો જીત્યા હતા. વિદ્યાર્થિનીએ રાજ્યની સાથોસાથ ગોહિલવાડનું પણ ગૌરવ વધાર્યું છે. ભાવનગર શહેરની હેતવિ તલાજીયા એ ખૂબ નાની ઉંમરે તરણ સ્પર્ધામાં પદાર્તપણ કર્યું હતું અને થોડાં જ સમયમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરી અને પોતાની યશ કારકિર્દીમાં એક બાદ એક યશ કલગી ઉમેરતી રહી છે. ત્યારે આવી જ એક જાજરમાન સિધ્ધી થકી રાજ્ય સાથોસાથ ગોહિલવાડનુ નામ રાષ્ટ્ર ફલક પર રોશન કર્યું છે. હાલમાં હેતવિ તલાજીયા વડોદરા સ્થિત સરકારી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસની સાથોસાથ તરણ સ્પર્ધાની પ્રેક્ટિસ કરી રહી છે. હેતવિ તલાજીયાનું સ્વપ્ન ઓલંમ્પિકમાં ભાગ લેવાનું છે. રાજસ્થાનના જોધપુર ખાતે તાજેતરમાં સ્વિમિંગ ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાથી હેત્વિએ ભાગ લીધો હતો અને 100 મિટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, 400 મિટરમાં સિલ્વર 400 મિટર રીલે સ્વિમિંગમાં સિલ્વર, 200 મિટરમા બ્રોન્ઝ તથા 50 મિટરમા પણ બ્રોન્ઝ મળી કુલ 5 મેડલ પોતાના ખાતામાં જમા કરી નોંધપાત્ર સિધ્ધી મેળવી છે. આ સિદ્ધિમાં તેના કોચ ક્રિષ્ના પંડ્યા અને વિવેક સિંધ બોરલીયા બંને કોચએ ખુબજ પરિશ્રમ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જેથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેના મિત્રવર્તુળ અને પરિવારજનોએ અભિનંદનની હેત વર્ષાવી છે.