બોઈલરના વિવિધ પાસાઓ અંગે ખૂબજ તલસ્પર્શી માહિતી અને માર્ગદર્શન અપાયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત સરકારનાં લેબર સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોઇમેન્ટ વિભાગનાં નેજા હેઠળ કાર્યરત આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ બોઈલર્સ-ભાવનગર કચેરીનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા બોઈલરોની સલામતી, ફેક્ટરીમાં કામ કરતા માણસોની સલામતી, અકસ્માત નિવારણ તેમજ બોઈલર એટેન્ડન્ટની પરીક્ષા અંગે જાગૃતતા લાવવા માટેના માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ચેમ્બર ભાવનગરનાં ઔદ્યોગિક વિકાસ માટે સતત કાર્યરત છે. ઉદ્યોગોને સ્પર્શતા વિવિધ પાસાઓ અંગે અવાર-નવાર માર્ગદર્શન સ્રેમીનારનું આયોજન કરી ઉદ્યોગકારોને સતત અપડેટ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે પ્રયત્નોના ભાગરૂપે ઉદ્યોગને સ્પર્શતા પાસાઓ પૈકી સૌથી અગત્યનાં ગણી શકાય તેવા બોઈલર વિષય અંતર્ગત આજે મંગળવારે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારનાં માધ્યમથી બદલાવ આવશે અને સરવાળે ભાવનગરનાં ઉદ્યોગોને લાભ થશે. સેમીનારનાં મુખ્ય વક્તા ભાવનગરનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ બોઈલર્સ આશિષભાઈ ચૌહાણે બોઈલરના વિવિધ પાસાઓ અંગે ખૂબજ તલસ્પર્શી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું, આ ઉપરાંત બોઈલર અધિનિયમ 1923 તથા ભારતીય બોઈલર વિનિયમો 1950 અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગના વપરાશમાં લેવામાં આવતું હોય તો તેવું બોઈલર માટે લાઈસન્સ લેવું ફરજીયાત છે અને તેના ઉપયોગ માટે સ્કીલ એટેન્ડન્ટ હોવો જરૂરી છે. તેમણે વધુમાં જમાવ્યું હતું કે લાઈસન્સમાં જેટલી પ્રેશર કેપેસીટી લખેલી હોય તો તેટલી જ કેપેસીટીનો ઉપયોગ કરી શકાય છે. એક્સપાયરી ડેટ પછી બોઈલર વાપરી શકાતું નથી. બોઈલરમાં કોઈ અકસ્માત થાય તો તરત જ સક્ષમ ઓથોરીટીને જાણ કરવી જોઈએ અને તેનું ઇન્સ્પેકશન અને ખરાઈ થયા બાદ જ તે બોઈલર ઉપયોગમાં લઇ શકાય છે. ત્યારબાદ પ્રશ્નોત્તરી સેશનમાં ઉપસ્થિત શ્રોતાઓએ તેમને મુંજવતા પ્રશ્નો રજૂ કર્યા હતા, તેના સંદર્ભમાં ઉપસ્થિત વક્તા દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ઔદ્યોગિક એકમોનો બોઈલર સંલગ્ન સ્ટાફ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરના મંત્રી કેતનભાઈ મેહતા અને આભારવિધિ દિલીપભાઈ વડોદરીયા દ્વારા કરવામાં આવી હતી.