રાજસ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રને હરાવ્યું

50

નવી દિલ્હી,તા.૧૯
જોસ બટલરની તોફાની સદી બાદ સ્પિરન યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી મેચમાં સાત રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં સોમવારે રાજસ્થાનનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતો. કોલકાતાએ રાજસ્થાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર જોસ બટલરની ૬૧ બોલમાં ૧૦૩ રનની ઈનિંગ્સની મદદથી રાજસ્થાને નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૭ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં એરોન ફિંચની ૫૮ અને સુકાની શ્રેયસ ઐય્યરે ૮૫ રનની આક્રમક ઈનિંગ્સ રમી હોવા છતાં કોલકાતાની ટીમ ૧૯.૪ ઓવરમાં ૨૧૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લેવા સાથે ચાર ઓવરમાં કુલ પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ વિજય સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે. ૨૧૮ રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનર એરોન ફિંચ અને સુકાની શ્રેયસ ઐય્યરે જ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તેમની આ બેટિંગ ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહી હતી. બંનેએ આક્રમક અડધી સદી ફટકારી હતી પરંતુ ટીમ જીતી શકી ન હતી. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ બોલ પર જ સુનીલ નરૈન આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં ઐય્યર અને ફિંચની જોડીએ તાબડતોબ બેટિંગ કરી હતી અને સ્કોરબોર્ડને ઝડપથી આગળ ધપાવ્યો હતો. ફિંચ અને ઐય્યરે નવ ઓવરમાં જ ૧૦૭ રન ફટકારી દીધા હતા. આ જોડી રમી રહી હતી ત્યારે ટીમ જીતશે તેવું લાગી રહ્યું હતું. જોકે, પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ જોડી તોડી હતી અને બાદમાં કોલકાતાનો ધબડકો થયો હતો. ફિંચે ૨૮ બોલમાં નવ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૮ રન ફટકાર્યા હતા. જ્યારે નિતિશ રાણા ૧૮ રન નોંધાવીને આઉટ થયો હતો. આન્દ્રે રસેલ પ્રથમ બોલ પર જ અશ્વિનના બોલ પર આઉટ થયો હતો. જ્યારે વેંકટેશ ઐય્યરે છ રન નોંધાવ્યા હતા તો શિવમ માવી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ચહલે વેંકટેશ ઐય્યર, શિવમ માવી અને પેટ કમિન્સને સળંગ ત્રણ બોલમાં આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી. ઉમેશ યાદવે નવ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૧ રન ફટકારીને ટીમને વિજયની નજીક પહોંચાડી હતી. જોકે, અંતે રાજસ્થાને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન માટે ચહલે પાંચ વિકેટ ખેરવી હતી જ્યારે ઓબેડ મેકકોયને બે તથા પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી.

Previous articleઅરશદ વારસી તેનો ૫૪મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે