કામનાઓનો ત્યાગ કરવાથી જ સહજ જીવન જીવી શકાય છે

81

એક વેપારીનો ખુબ જ સારો વ્યવસાય ચાલતો હતો,ભૌતિક સંપત્તિ પણ પુષ્કળ હતી.એકવાર તેને ચિંતા સતાવે છે તેથી ઉંઘ આવતી નથી.ઉંઘ ન આવવી એક બિમારી છે.વ્યકિત પથારીમાં પડતાં જ સૂઈ જાય છે તે શારીરિક દ્રષ્ટિએ સારૂં છે પરંતુ કેટલાયે લોકો એવા પણ હોય છે જેમને ઘણા સમય પછી ઉંઘ આવે છે પરંતુ જયારે ઉંઘ આવે છે ત્યારે સારી આવી જાય છે.આવી ઉંઘ ચિંતાનો વિષય નથી પરંતુ જો સૂવાના સમયે ઉંઘ ન આવે તો એ સ્થિતિ ખતરનાક થઈ શકે છે, તે સ્થિતિને અનિંદ્રા કહે છે એ સ્થિતિ વિચારવા જેવી છે.યુવાન અવસ્થામાં અનિંદ્રામાં કારણો શોધવા, હ્રદયની પરેશાની, તાવ, માનસિક તનાવ, શારીરિક તકલીફ, સારી કે ખરાબ ઉત્તેજના ચિંતા, ઊંચા લોહીનું દબાણ,ઈન્ફેકશન વગેરે કોઈપણ કારણ હોઈ શકે છે. ચિંતા તનાવ વગેરે માટે કોઈને પણ ખૂલ્લાં દિલથી વાત કરવાનું લાભદાયક હોય છે.વૃદ્ધાવસ્થામાં ઉંઘની ઓછી જરૂર હોય છે.ઉંઘ વિના માણસ જીવી શકે નહીં.રાત્રી દરમિયાન કામ કરનાર લોકો લાંબે ગાળે ઉંઘની સમસ્યાઓનો શિકાર બને છે પરંતુ એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે માણસની જેમ ઉંમર વધે તેમ ઉંઘની જરૂરીયાત ઘટે છે.શેઠના પત્ની પતિનો ચહેરો જોઇને સમજી ગઇ કે કોઇ ચિંતાથી મારા પતિ દુઃખી છે.ચહેરો વાંચવાની પણ એક કળા હોય છે.હ્રદયના ભાવ ચહેરા ઉપર પ્રતિબિંબિત થાય છે.પત્નીએ પુછ્યું કે કયા કારણોસાર આપ ચિંતિત છો? ત્યારે વેપારી કહે છે મારી ચિંતાનું કારણ એ છે કે જો આપણો બધો જ કારોબાર બંધ થઇ જશે તો આપણી શું દશા થશે? મેં હિસાબ કર્યો તો આપણી આવનાર સાત પેઢીને ચાલે તેટલું ધન આપણી પાસે છે પણ જો આપણો કારોબાર બંધ થઇ જશે તો આવનારી આઠમી પેઢી શું ખાશે? આ ચિંતાથી હું બેચેન છું.
પત્નીએ કહ્યું કે આપ ચિંતા ના કરશો આપ આજે આરામથી સૂઇ જાઓ,આવતી કાલે આપણે એક સંત પાસે જઇશું અને તમારી સમસ્યાનું નિરાકારણ મેળવીશું.પ્રથમવાર કોઇ સંત પાસે જતા હોવાથી બીજા દિવસે સંત માટે અન્ન-ફળ વગેરે લઇ ગાડીમાં મૂકી સંતના આશ્રમમાં પહોંચે છે.
સંત તો અંતર્યામી હોય છે.પતિ-પત્ની બંન્ને આશ્રમમાં જઇ સંતોના શ્રીચરણોમાં પ્રણામ કરી સાથે લાવેલ અન્ન-ફળ અર્પણ કરે છે ત્યારે મહાત્માજી પોતાના શિષ્યને કહે છે કે આશ્રમની અંદર જઇ ગુરૂમાતાને પુછો કે હાલમાં આપણી પાસે કેટલું અન્ન ઉપલબ્ધ છે.શિષ્યે ગુરૂમાતાને પુછીને જવાબ આપ્યો કે ગુરૂજી.. આજ રાત્રિનું ભોજન બને તેટલું અન્ન અને સામાન ઉપલબ્ધ છે.ત્યારે મહાત્માએ શેઠાણીને કહ્યું કે માફ કરજો, અમે તમારી ભેટનો સ્વીકાર કરી શકીએ તેમ નથી કારણ કે અમોને તેની આવશ્યકતા જ નથી. શેઠાણીએ ખુબ આગ્રહ કર્યો ત્યારે મહાત્માએ કહ્યું કે આજ રાતનું આશ્રમવાસીઓનું ભોજન થાય તેટલો સામાન અમારી પાસે ઉપલબ્ધ છે જ અને આવતી કાલની ચિંતા તો પ્રભુ પરમાત્મા કરશે. જો અમારી પાસે આજના ભોજન માટે સામાન ન હોત તો અમે તમારી ભેટનો સ્વીકાર કરતા.
શેઠાણી પોતાના પતિને લઇને સંતના આશ્રમથી પરત રવાના થાય છે.રસ્તામાં શેઠાણી કહે છે કે તમે તમારા પ્રશ્નનું સમાધાન તો સંતને પુછ્યું નહી? ત્યારે વેપારી કહે છે કે પુછ્યા વિના જ મારા પ્રશ્નનું સમાધાન મળી ગયું છે.સંતને કાલની ચિંતા નથી અને મને આવનાર આઠમી પેઢીની ચિંતા થઇ રહી હતી. એક પ્રભુ પરમાત્મા ઉપર વિશ્વાસ ન હોવાથી જ આવું બને છે. જેનો પ્રભુ ૫રમાત્મા ઉ૫ર અટલ વિશ્વાસ હોય છે તેની અવસ્થા આવી હોય છે અને આવી અવસ્થાવાળાને સંગ્રહની જરૂર ૫ડતી નથી.બધાનો વિશ્વાસ રાખજો પરંતુ પોતાના મનનો વિશ્વાસ ના રાખશો.કયા સમયે ફરી જાય, ફેરવી નાખે, કેટલાકને મનને રમાડ્યા તો કેટલાક મનને રમાડે છે.વિશ્વાસનો સંબંધ બુદ્ધિ સાથે છે અને શ્રદ્ધાનો સંબંધ હૃદય સાથે છે.
વિશ્વાસ વિના ભક્તિ થતી નથી,ભક્તિ વિના ભગવાન પિગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં ૫ણ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી.પ્રભુ ૫રમાત્માએ અમારા જન્મ ૫હેલાં અમારી ૫રવરીશ માટેના સામાનની વ્યવસ્થા કરેલ છે. ’’જબ દાંત નહી થા તબ દૂધ દીયા,અબ દાંત દિયા તો અન્ન ન દે?” આમ હોવા છતાં ચિંતા કરીને ૫રેશાન કે બેચૈન થવું એ પ્રભુ ૫રમાત્મામાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે.
ઘણીવાર અમે નિરર્થક અને અંતહીન કામનાઓના કારણે અનાવશ્યક ચિંતાઓ અને તનાવથી દુઃખી થઇએ છીએ.કામનાઓનો ત્યાગ કરવાથી જ અમે સહજ જીવન જીવી શકીએ છીએ.
હેમલતાબેન સોનેરા
ઓઢવ,અમદાવાદ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆંતર યુનિ. હેન્ડબોલ સ્પર્ધામાં પસંદગી