કેટલાક દેશોમાં બાળકોમાં લિવર સંબંધિત એક રહસ્યમય બીમારી જોવા મળી રહી છે, અત્યાર સુધીમાં અનેક બાળકો તેનાથી પીડાતા જોવા મળ્યા છે
નવી દિલ્હી,તા.૧૯
અમેરિકા સહિત કેટલાક દેશોમાં બાળકોમાં લિવર સંબંધિત એક રહસ્યમય બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અનેક બાળકો તેનાથી પીડાતા જોવા મળ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ બીમારીથી કોઈનું મોત થયું નથી. અમેરિકા ઉપરાંત બ્રિટન, સ્પેન, ડેનમાર્ક, અને નેધરલેન્ડમાં પણ આવા કેસ જોવા મળ્યા છે. યુકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ ૬ એપ્રિલના રોજ જણાવ્યું કે ડોક્ટર અને વૈજ્ઞાનિક જાન્યુઆરી ૨૦૨૨થી બાળકોમાં હેપેટાઈટિસ (લીવરમાં સોજો) ના લગભગ ૭૪ કેસની તપાસ કરી રહી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે તમામ Hepatitis Virus (એ,બી,સી,ડી અને ઈ) આ બીમારીના કારણ નથી. તેમના તરફથી કહેવાયું છે કે તેમાંથી કેટલાક કેસોમાં એડિનોવાયરસ અને SARS-CoV-2 ની ભાળ મળી છે. અમેરિકાના અલબામામાં ગત વર્ષ ઓક્ટોબરથી ૧-૬ વર્ષની ઉંમરના નવ બાળકો આ બીમારીથી પીડિત જોવા મળ્યા. WHOએ કહ્યું કે તેમાંથી કેટલાક બાળકોને સ્પેશિયાલિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવા પડ્યા હતા અને ૬ ને લિવર ટ્રાન્સ્પ્લાન્ટની જરૂર હતી. WHO એ આશંકા વ્યક્ત કરી છે કે આ બીમારીના કેસ વધી શકે છે. પ્રયોગશાળામાં થયેલી તપાસ મુજબ આ બાળકોના બીમાર હોવાના કારણમાં હેપેટાઈટિસ એ, બી, સી અને ઈ વાયરસ મળ્યા નથી. જે સામાન્ય રીતે આવી બીમારીનું કારણ હોય છે. જ્યારે UKHSA નું કહેવું છે કે આ રહસ્યમય બીમારીના અનેક સંભવિત કારણોમાંથી એક વાયરસનો સમૂહ હોઈ શકે છે જેને એડિનોવાયરસ કહે છે. જે સામાન્ય શરદી જેવી શ્વાસ સંબંધિત બીમારીઓનું કારણ બને છે. આમ તો સામાન્ય રીતે એડિનોવાયરસથી સંક્રમિત મોટાભાગના લોકો ઠીક થઈ જાય છે. એડિનોવાયરસ એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં પહોંચવો શક્ય છે. આથી તેના ઝડપથી ફેલાવવાની આશંકા છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે તેમને એ વાતની જાણકારી નથી કે બાળકો બીમાર કેમ પડ્યા પરંતુ તેમણે કહ્યું કે એડિનોવાયરસ સંક્રમણના કેસમાં તેજી જોવા મળી છે. અનેક એડિનોવાયરસના કારણે શરદી-ઉધરસ જેવા લક્ષણ, તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ હોય છે. પરંતુ તેના કેટલાક સ્વરૂપ પેટ અને આંતરડામાં સોજો સહિત અન્ય સમસ્યા પણ પેદા કરી શકે છે. તેમનું કહેવું છે કે આ રહસ્યમય બીમારી એડિનોવાયરસ ૪૧ અને હેપેટાઈટિસના કારણે હોઈ શકે છે. પરંતુ રિસર્ચ બાદ જ ચોક્કસપણે કઈ કહી શકાશે. હેપેટાઈટિસ જે લિવરને પ્રભાવિત કરે છે તે અનેક કારણસર થઈ શકે છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેના લક્ષણોમાં યુરિનનો રંગ ઘેરો થવો, પીળા અને રાખોડી રંગનો મળ, ત્વચા પર ખંજવાળ, આંખો અને ત્વચાનું પીળાપણું, વધુ તાપમાન, માંસપેશીઓ અને સાંધામાં દુખાવો તથા ભૂખ ન લાગવી વગેરે સામેલ છે.