નિર્ધારિત દિવસમાં પ્રશ્નનોનો ઉકેલ નહીં આવે તો રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી
ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓની ફી વધારાને લઈને વાલીઓની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા, ડોનેશન પ્રથા બંધ કરવા, FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહિત અન્ય માંગણીઓ બાબતે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય કક્ષાના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી આવેદનપત્ર આપી પાંચ મુદ્દાની રજૂઆત કરી હતી અને આ પાંચેય મુદ્દાનુ તત્કાળ નિરાકરણ લાવવા માંગ કરી હતી જે અંતર્ગત આપ દ્વારા જે માંગ કરવામાં આવી છે એ આ મુજબ છે.
રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી શાળાઓ દ્વારા જે ફી વધારો કરવામાં આવે છે એ પાછો ખેંચવામાં આવે, ખાનગી શાળાઓ દ્વારા જે ડોનેશનો ઉધરાવવામાં આવે છે એ બંધ કરવામાં આવે, સરકાર તથા ખાનગી શાળા માટે એફઆરસી કમિટી મોજુદ છે. તેમાં વાલી પ્રતિનિધિને સ્થાન આપવામાં આવે તથા ખાનગી શાળાઓમાં જે રીતે શિક્ષકોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે. આ પાંચ માંગ સંદર્ભે સમગ્ર રાજ્યના શહેરોમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને સાત દિવસમાં સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલનની ચિમકી આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાળીયાએ ઉચ્ચારી છે.