પાણીપતનું પ્રથમ યુદ્ધ ૨૧ એપ્રિલ ૧૫૨૬ : મોગલ યુગની શરૂઆત (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

84

ભારતીય ઇતિહાસમાં મુસ્લિમ શાસન ઈ.સ.૧૨૦૬થી શરૂઆત થઈ, પરંતુ ભારતીય ઇતિહાસમાં મુસ્લિમ શાસનના મુખ્ય બે ભાગ પડે છે, પ્રથમ દિલ્હી સલ્તનતનો યુગ જેમાં ગુલામવંશ, ખલજીવંશ, તુઘલકવંશ, સૈયદવંશ અને લોદીવંશ. આ પાંચ વંશના શાસન બાદ ભારતમાં મોગલયુગની શરૂઆત થઈ, પાણીપતની પ્રથમ લડાઈ લોદીવંશના અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થઈ તેમાં બાબર નો વિજય થયો, અને ભારતમાં લોદી વંશનો અંત આવ્યો. ભારતમાં બાબરથી એક નવા યુગની શરૂઆત થઈ. ભારતમાં પાણીપતની લડાઈ સમયે રાજકીય પરિસ્થિતિ ડામાડોળ બનેલી હતી, ભારતમાં કેન્દ્રીય વ્યવસ્થા નબળી પડી ગઈ હતી, પ્રાંતીય સૂબાઓ સ્વતંત્ર બની ગયા હતા. અંદરો અંદર કુસંપ તથા લડાઈ-ઝઘડા જોવા મળતા હતા. બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિનું અદભુત વર્ણન બાબરનામા કરેલું છે. બાબરે બાબરનામા પાંચ મુસ્લિમ અને બે હિન્દુ રાજ્ય તાકાતવર હોવાનું નોંધ્યું છે, આ પાંચ મુસ્લિમ રાજ્યોમાં પ્રથમ દિલ્હી જ્યાં ઈબ્રાહીમ શાસન હતું, બીજું ગુજરાત જ્યાં મુઝફ્ફર શાહ બીજો શાસક હતો અને તેનું મૃત્યુ થયું હતું હવે ગુજરાતમાં બહાદુરશાહ નવો શાસક બન્યો હતો, ત્રીજું પંજાબ જ્યાં દોલતખાન લોદી શાસક હતો તેને દિલ્હી સાથે સારો સંબંધ ન હતો, ચોથો બહમની રાજ્ય આ રાજ્ય વિજયનગર સાથે સંઘર્ષમાં નિર્બળ બન્યું હતું, સુલતાન મહેમુદ શાહના શાસન દરમિયાન પાંચ રાજ્યો બિજાપુર, ગોલકોંડા, બરાર, બીડર અને અહમદનગર માં વિભાજીત થયુ હતું. પાંચમુ હતું માળવા ત્યાં મહમૂદ ખીલજી બીજો શાસક હતો તેના દરબારમાં મેદનીરાય નામના રાજપુત નું વર્ચસ્વ હતું. હિન્દુ રાજ્યમાં મેવાડ રાણાસંગ નામના શક્તિશાળી રાજપુતનું શાસન હતું, બીજું હતું વિજયનગર જે દક્ષિણનું શક્તિશાળી હિંદુ રાજ્ય હતું, ત્યાં બાબરનો સમકાલીન કૃષ્ણદેવરાય શાસક હતો, બાબરે બાબરનામા આ સાત રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત બાબરના આક્રમણ સમયે બીજા રાજ્યો ભારતમાં અગત્યના હતા જેમાં ઓરિસ્સા જ્યાં પ્રતાપરુદ્રનું શાસન હતું. આસામ સ્વતંત્ર રાજ્ય હતું, જોનપુર, બિહાર, બંગાળ, સિંધ, કાશ્મીર, દક્ષિણમાં ખાનદેશ આ બધા મુસ્લિમ સ્વતંત્ર રાજ્યો હતા. ભારતમાં પોર્ટુગીઝો પણ પગપેસારો શરૂ થયું હતું
• બાબર નું ભારત આક્રમણ
ભારતમાં પ્રાચીન સમયથી અપાર સુખ સમૃદ્ધિ જોવા મળતી હતી, આ સમૃદ્ધિના કારણે વિદેશી આક્રમણખોરો અનેકવાર ભારત પર આક્રમણ કરી લૂંટ ચલાવી જતા રહેતા હતા. પરંતુ તેમ છતાં ભારતની સમૃદ્ધિમાં કાંઇ ખોટ આવતી ન હતી, બાબરે પાણીપતની લડાઈ પૂર્વે ઇ.સ ૧૫૧૯ થી ૧૫૨૪ સુધી અનેક આક્રમણો કર્યા હતા, પરંતુ લાહોરથી આગળ વધી શક્યો ન હતો.
ભારતમાં પાણીપતની પ્રથમ લડાઈ પૂર્વે રાજકીય અરાજકતા જોવા મળતી હતી બાબરને ભારત પર આક્રમણ કરવા માટે પંજાબના સુબેદાર દોલતખાન લોદી, દિલ્હીના શાસક ઇબ્રાહિમ લોદીના કાકા આલમખાન લોદી અને મેવાડના રાણાસાંગા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ આપનારાઓને એમ હતું કે બાબર ભારતમાં આક્રમણ કરી લૂંટ ચલાવીને પરત ફરશે અને ત્યારબાદ ફેલાયેલી અવ્યવસ્થાનો લાભ લઇ ઇબ્રાહિમ લોદીને દિલ્હીની ગાદીથી ઉઠાડી દિલ્હીની ગાદી મેળવવાની લાલસા હતી.
• પાણીપતનું પ્રથમ યુદ્ધ ૨૧ એપ્રિલ ૧૫૨૬
હિન્દ પર આક્રમણ કરવા ૧૨,૦૦૦નું સૈન્ય લઇ ૧૭ નવેમ્બર ૧૫૨૬ના રોજ કાબુલ થી હિન્દ જવા ઉપડ્યો તેનો સામનો કરવા ઇબ્રાહિમ લોદી દિલ્હીથી રવાના થયો, બંને વચ્ચે પાણીપતના મેદાનમાં ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ યુદ્ધ થયું, જેમાં બાબરનો સંપૂર્ણ વિજય થયો.
ઇબ્રાહિમ લોદીએ બાબરની સેના પર આક્રમણ કર્યું ત્યારે બાબરે તુલુગમા અને ઉસ્માનિયા યુદ્ધ પદ્ધતિથી સામનો કર્યો, યુદ્ધમાં કુશળ વ્યુરચનાથી કામ લઈ દિલ્હી સલ્તનતની વિશાળ સેનાને ધૂળ ચાટતી કરી દીધી. ઇબ્રાહિમ લોદી યુદ્ધમાં મરાયો. બાબરે બાબરનામા નોંધ્યું છે “જ્યારે આક્રમણ થયું ત્યારે સૂર્ય બાલા જેટલો ઊંચો આવ્યો હતો, યુદ્ધ મધ્યાહન સુધી ચાલ્યું, દુશ્મનોનું સૈન્ય વેરવિખેર થઈ ગયું હતું, મારા માણસો વિજય થયા.” બાબરનો આ વિજય નવી રણનીતિ તુલઘમાં, તોપ પ્રયોગ અને શ્રેષ્ઠ ઘોડેસવારોને આભારી હતો. પાણીપતના યુદ્ધથી દિલ્હીમાં લોદી વંશનો અંત આવ્યો, બાબર ઉત્તર ભારતના શાસક બન્યો, ખૂબ જ ધન, દોલત અને કોહિનૂર હીરો બાબરને પ્રાપ્ત થયો.
ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપનાર દોલતખાન, આલમખાન અને રાણાસાંગાનું દિલ્હીની ગાદી મેળવવા નું સ્વપ્ન ધૂળમાં મળી ગયું, ભારતમાં પ્રથમવાર તોપનો ઉપયોગ પાણીપતના પ્રથમ યુદ્ધ દરમ્યાન થયો હતો. ત્યારબાદ બાબરે આગરા, કનોજ જોનપૂર, ધોલપુર, ગ્વાલિયર પર કબજો મેળવ્યો અને ભારતમાં મોગલવંશની સ્થાપના કરી.

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleનીચા કોટડા ચાંમુડા માતાજીના મંદીરે યજ્ઞ કરાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે