આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત

34

વડાપ્રધાને મહાત્મા મંદિર ખાતે ૩ દિવસીય આયુષ સમિટનું ઉદ્‌ઘાટન કર્યું હેલ્થ ટુરિઝમ ક્ષેત્રે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, સ્પેશિયલ આયુષ માર્ક બનાવવાની યોજના : WHO ના વડાનું ગુજરાતી નામ તુલસી રાખતા મોદી
ગાંધીનગર, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૩ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. વડાપ્રધાને આજે મહાત્મા મંદિર ખાતે ૩ દિવસીય આયુષ સમિટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. વડાપ્રધાને વેલકમ ટુ ગુજરાત કહીને સૌને આવકાર આપ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન હેલ્થ ટુરિઝમ ક્ષેત્રે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આયુષ વિઝા કેટેગરી શરૂ કરવામાં આવી રહી છે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે તુલસીના છોડના ઔષધિય ગુણ સાથે તુલસીનો છોડ ભારતના સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને યાદ કરીને તેઓ પરંપરાગત ચિકિત્સાના પ્રણેતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ સમિટના ફાયદા જણાવતા વડાપ્રધાને કહ્યું કે, મોડર્ન ફાર્મા કંપનીઝ અને વેક્સિન મેન્યુફેક્ચરર્સને સમયસર રોકાણ મળી રહેવાથી તેમણે કમાલની કામગીરી કરી બતાવી અને આપણે ઝડપથી કોરોના વેક્સિન વિકસિત કરી શક્યા. આયુષ ક્ષેત્રે રોકાણ અને નવીનીકરણની અસીમ સંભાવનાઓ છે. આયુષ દવાઓ, સપ્લિમેન્ટ્‌સ અને કોસ્મેટિક્સના ઉત્પાદનમાં આપણે પહેલેથી જ અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છીએ. ૨૦૧૪માં આયુષ સેક્ટર ૩ બિલિયન ડોલરથી પણ ઓછાનું હતું જે આજે વધીને ૧૮ બિલિયન ડોલરને પાર કરી ગયું. આયુષ મંત્રાલયે ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે અનેક મોટા પગલાંઓ ભર્યા છે. દેશમાં મેડિસિનલ પ્લાન્ટ્‌સના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો સરળતાથી માર્કેટ સાથે જોડાઈ શકે તેવી સગવડ મળે તે ખૂબ જ જરૂરી છે. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને તેના વિસ્તાર પર પણ કામ કરી રહી છે. એફએસએસએઆઈદ્વારા ગત સપ્તાહે જ પોતાના રેગ્યુલેશન્સમાં આયુષ આહાર નામની એક નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે. તેનાથી હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્‌સના ઉત્પાદકોને ભારે સુવિધા મળશે. ભારત એક સ્પેશિયલ આયુષ માર્ક પણ બનાવવા જઈ રહ્યું છે. આ માર્કને ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ પ્રોડક્ટ્‌સ પર લગાવવામાં આવશે. સમિટ દરમિયાન આયુષ ક્ષેત્રે આશરે ૫,૦૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે હસ્તાક્ષર થયા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી દાહોદ ખાતે રેલવે મંત્રાલય માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણથી ૯,૦૦૦ એચપીના ઈલેક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના કારખાનાનું ઉદ્‌ઘાટન કરશે.
ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિશાળ સંમેલનને સંબોધિત કરીને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટેના શ્રીગણેશ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી સાંજે નવી દિલ્હી જવા માટે રવાના થયા. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, સીએમભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦૬૭ કેસ આવ્યા
Next articleયુદ્ધ જહાજ INS પરથી બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનું પરીક્ષણ