દેશમાં બુલડોઝરથી કાર્યવાહી મામલે સુપ્રીમમાં સુનાવણી : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ગેરકાયદે મિલકતો અને અતિક્રમણ સામે એમસીડીનું બુલડોઝર નહીં ચાલે
નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં એમસીડીની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આવતીકાલે એટલે કે ગુરુવારે આ મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. યુપી, એમપી અને દેશના અન્ય ભાગોમાં બુલડોઝરની કાર્યવાહી સામે અરજી દાખલ કરવામાં આવી છે અને બીજી અરજી દિલ્હીના જહાંગીરપુરીમાં એમસીડીની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. ૧ કલાક સુધી આ કાર્યવાહી ચાલ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ગેરકાયદે મિલકતો અને અતિક્રમણ સામે એમસીડીનું બુલડોઝર નહીં ચાલે. કોર્ટે જહાંગીરપુરીમાં યથા સ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. હવે આ કાર્યવાહી ચાલુ રાખવી કે પછી તેના પર રોક લગાવવી આ મામલે સુપ્રીમ કોર્ટ હવે બુધવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ઉત્તર એમસીડીના મેયર રાજા ઈકબાલસિંહે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે જો બુલડોઝર હટાવવવાનો આદેશ હશે તો તાત્કાલિક તેનું પાલન કરવામાં આવશે.
જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને હિંસાના સ્થળે ગેરકાયદેસર અતિક્રમણ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત ૨૦ અને ૨૧ એપ્રિલે બુલડોઝર ચલાવવાના હતા. આ અંતર્ગત બુધવારે મહાનગરપાલિકાના અધિકારીઓએ જહાંગીરપુરીમાં અતિક્રમણ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાર્યવાહી પર રોક લગાવી દેવામા આવી છે.