આગમાં એક પછી એક ત્રણ ગેસ સિલીન્ડર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયા, આગની જ્વાળાથી ચાર ફાયરમેન દાઝયા : રસાલા કેમ્પ સિંધુનગર વિસ્તારમાં ફાયરસેફ્ટી ના નિયમો નેવે મૂકી ઘરે ઘરે ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યાં છે
ભાવનગર શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલ એક બેકરીમા વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમા રાખેલ સર-સામાન સાથે ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબૂ મેળવ્યો હતો આ રેસ્ક્યુ ઓપરેશનમાં આગની ઝાળ લાગી જતાં ચાર ફાયરબ્રિગેડના જવાનો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે ૪ઃ૩૦ કલાકે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે નવાપરા ડીએસપી કચેરી સામે આવેલ રસાલાકેમ્પમાં આંચલબેન ભરતભાઈ વાધવાણીની માલિકીની મધુર બેકરીમા આગ લાગી છે જે માહિતી મળતાં જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઓલવવા કવાયત હાથ ધરી હતી પરંતુ બેકરીમા મોટા પ્રમાણમાં તેલ ઘી મેંદાના લોટની બોરીઓ સહિત કરીયાણાનો સામાન મોટા પ્રમાણમાં હોય સાથે ૯ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને તૈયાર બેકરી પ્રોડક્ટ તથા લાકડાનું ફર્નિચર હોય આથી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું દરમ્યાન આ આગની ગંભીરતા ને ધ્યાનમાં લઈને અધિકારીઓ એ વધુ ૪ ફાયરફાયટરો અને બે હેવી અગ્નિ શામક વાહનો સ્થળપર બોલાવી આગ ઓલવવા જહેમત હાથ ધરી હતી પરંતુ બેકરીમા નવ જેટલા ગેસ સિલિન્ડર હોય આથી સ્થિતિ સ્ફોટક બનવાની દહેશત હોય જેને પગલે ફાયરફાઈટરો એ ગેસ સિલિન્ડર બહાર કાઢવા જીવના જોખમે બેકરીમા પ્રવેશ કર્યો હતો અને ૬ સિલિન્ડર બહાર કાઢ્યાં હતાં પરંતુ ત્રણ સિલિન્ડર ધડાકાભેર બ્લાસ્ટ થતાં વહેલી સવારે આસપાસનો વિસ્તાર ધડાકા અને આગને પગલે હચમચી ઉઠ્યો હતો આ બેકરી અત્યંત ગીચ વિસ્તારમાં આવેલી હોય અને આસપાસના મોટી માનવ વસાહત હોવાનાં કારણે ભય સાથે દહેશત નો માહોલ સર્જાયો હતો.
ગેસ સિલિન્ડર બહાર કાઢવા જતાં ચાર જવાનોને અગન ઝાળ લાગતાં ૧૦૮ દ્વારા તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને ફાયરબ્રિગેડના સ્ટાફે સતત સાડા ત્રણ કલાક પાણી છાંટી મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો વહેલી સવારે લાગેલી આગને પગલે લોકો ના ટોળાં એકઠા થયા હતા.
રસાલાકેમ્પ, સિંધુનગરમાં ઘરે ઘરે ચાલતા ગૃહ ઉદ્યોગ બોમ્બ સમાન
શહેરના રસાલાકેમ્પ તથા સિંધુનગર સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ ચાલે છે જેમાં આજની તારીખે પણ ફાયરસેફ્ટી નું નામ સુધ્ધાં નથી અને જાનમાલ તથા લોકો ના જીવ હોડમાં મૂકી આવાં ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યાં છે આથી જયારે આવી અગન ઘટના સર્જાય ત્યારે લોકો ના જીવ પડીકે બંધાઈ જાય છે.